હાલ વિશ્ર્વવંદનીય સંત પ્રમુખ સ્વામી મહારાજનું શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે. દિલ્હી અને ગાંધીનગર સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ અક્ષરધામના રચયિતા બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનું જીવનસૂત્ર હતું. બીજાના ભલામાં ‘આપણું ભલું છે, બીજાના સુખમાં આપણું સુખ છે.’ આ જ જીવનભાવના સાથે તેઓએ પોતાના જીવનકાળ દરમિયાન 40 લાખથી વધુ લોકોને વ્યસનમુકત કર્યા હતાં. તેમની પ્રેરણાથી બીએપીએસ સંસ્થા દ્વારા દેશ – વિદેશમાં 15 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર અને સંવર્ધન થયું છે. વીજળી અને પાણીની બચત માટે શતાબ્દી મહોત્સવ ઉપક્રમે અને ભારતની આઝાદીના અમૃત મહોત્સવ ઉપક્રમે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાની બાળ બાલિકા પ્રવૃત્તિ દ્વારા વ્યસનમુકિત અભિયાન અને પ્રકૃતિ સંવર્ધન અભિયાનનું આયોજન મેં મહિનામાં કરવામાં આવ્યું હતું.
પ્રગટ ગુરૂહરિ મહંત સ્વામિ મહારાજની આજ્ઞાથી બીએપીએસ સંસ્થાના 160000 બાળકોના 4200 વૃંદ ઉનાળું વેકેશનમાં વ્યસનમુકિત અભિયાનમાં જોડાયા હતાં. ઘર, દુકાન, ઓફિસ, ફેકટરી, બસ સ્ટેશન, જાહેર સ્થળો વગેરે જગ્યાએ ફરીને આ બાળકોએ 14 લાખ જેટલા લોકોનો વ્યકિતગત સંપર્ક કર્યો હતો. દેશભરમાં યોજાયેલ આ અભિયાનમાં બાળકોએ વ્યસનથી થતા નુકસાનની વિગતવાર સમજૂતી લોકોને આપી હતી. તા.8 મે થી તા.22 મે દરમિયાન યોજાયેલ આ અભિયાનમાં બાળકોએ કરેલા વિનમ્ર પ્રયાસના પરિણામે દેશભરના 4 લાખ વ્યક્તિઓએ આજીવન વ્યસનમુકત રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ ઉપરાંત 10 લાખ જેટલા લોકોએ અન્યને વ્યસનમુકત કરવાનો સંકલ્પ કર્યો હતો.
વ્યસનમુકિત અભિયાનની સમાંતર બીએપીએસ સંસ્થાની 14000 બાલિકાઓના 3300 વૃંદ દ્વારા સમગ્ર દેશમાં પ્રકૃતિ સંવર્ધન અભિયાન યોજાયું. દેશભરમાં યોજાયેલ આ અભિયાનમાં બાલિકાઓએ ઘરે ઘરે જઇને 12 લાખ જેટલા લોકોને મુખ્ય સંદેશ આપ્યા. 1 પાણી બચાવો, 2. વીજળી બચાવો., 3. વૃક્ષ વાવો. આ ત્રણેય સંદેશ માટે લોકો કેવા કેવા પગલાંઓ ભરી શકે તે માટે બાલિકરાઓ સૌને માર્ગદર્શન અને પ્રેરણાઓ આપી હતી. સતત 15 દિવસ ચાલેલા આ અભિયાનના પરિણામે 10 લાખ લોકો પાણી-વીજળીના બચાવ માટે અને 6 લાખ લોકો વૃક્ષોના વાવેતર અને જતન માટે કટિબધ્ધ થયા હતાં. સાથોસાથ અન્યને પણ પ્રકૃતિ સંવર્ધનની પ્રેરણા આપવા માટેનો સૌએ સંકલ્પ કર્યો હતો.
ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, દિલ્હી, પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, પશ્ર્ચિમ બંગાળ, કર્ણાટક વગેરે રાજ્યોમાં યોજાયેલા આ અભિયાન બાદ તા.31 મે ના રોજ ‘વિશ્ર્વ તમાકુ દિવસ’ ઉપક્રમે સમગ્ર ભારતના વિવિધ શહેરો અને ગામડાઓમાં 100 જેટલી વિરાટ વ્યસન મુકિત રેલીનું આયોજન થયું હતું. પ્રેરણાત્મક પ્રદર્શન, રચનાત્મક ફલોટસ, બાળ-બાલિકાઓ દ્વારા થતા સૂત્રોચ્ચાર દ્વારા વ્યસનમુકિત માટે સમાજ જાગૃત્તિનું વિરાટ કાર્ય થયું હતું. વ્યસનમુકત સમાજના નિર્માણ માટે સમગ્ર દેશમાં 50,000 જેટલા બાળકો-બાલિકાઓ આ રેલીમાં ભાગ લીધો હતો.
આ રીતે આ બાળ-બાલિકાઓએ કુલ 26 લાખ જેટલા લોકોનો સંપર્ક કરીને ‘પ્રકૃતિ સંવર્ધન અભિયાન’ અને ‘વ્યસનમુકિત અભિયાન’ દ્વારા સમાજ ઉત્કર્ષનું ભગીરથ કાર્ય કર્યુ હતું. આ અભિયાનના પરિણામે સમાજને તો લાભ થશે જ, પરંતુ એ સાથે અભિયાનમાં જોડાયેલા બાળ-બાલિકાઓને આજીવન વ્યસનમુકત રહેવાના અને વીજળી, પાણી અને વૃક્ષોનું સંવર્ધન કરવાના પાઠ શીખવા મળ્યા હતાં. સેલ્ફ કોન્ફીડન્સ, કોમ્યુનિકેશન, લીડરશીપ, ટીમવર્ક વગેરે જેવી સુષુપ્ત શકિતઓ આ બાળ – બાલિકાઓમાં અભિયાનમાં પરિણામે ખીલી હતી. દેશહિત માટે કંઈક કરી છૂટવાના, સમાજના નિ:સ્વાર્થ સેવાના, ગુરૂને રાજી કરવાના ઉચ્ચતમ આદર્શોના બીજ આ બાળ – બાલિકાઓના અંતરમાં રોપાયા હતાં.
બીએપીએસના બાળ – બાલિકાઓ આ અભિયાન દ્વારા બ્રહમ સ્વરૂપ પ્રમુખ સ્વામિ મહારાજે સમાજ ઉત્કર્ષ માટે કરેલા કાર્યોેના પગલે પગલે ચાલ્યા છે. ભારત દેશના ભવિષ્યના આ ઘડવૈયાઓએ આઝાદીના અમૃત વર્ષે દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે કરેલું સમાજ ઉત્કર્ષનું આ વિરાટ કાર્ય પ્રશંસનીય છે.
સમગ્ર ભારતના વિવિધ શહેરોમાં યોજાયેલ આ અભિયાન જામનગર શહેરમાં પણ યોજાયા હતાં. જેમાં 70 બાળકો અને 80 બાલિકાઓએ કુલ 16763 વ્યકિતઓનો સંપર્ક કર્યો હતો.
આ પ્રસંગે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા વ્યસનમુકિત અભિયાન અને પ્રકૃતિ સંવર્ધન અભ્યાનમાં જોડાયેલા બાળકો/બાલિકા દ્વારા વિશાળ રેલીનું આયોજન જામનગર શહેરના રાજમાર્ગ પર વિશ્ર્વ ટોબેકો નિષેધ દિન તા.31 મે ના દિવસે કરવામાં આવ્યું હતું. જે પૂ. ધર્મનિધિ સ્વામિ તથા પૂ.દેવપ્રસાદજી મહારાજ એ વિધિવત પૂજન વિધિ કરી રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું.