મહિલા અને બાળવિકાસ સામાજિક ન્યાય અને અધિકારીકતા વિભાગના રાજ્યમંત્રી મનીષાબેન વકીલે જૂની પોલીસ લાઇન, ડેન્ટલ હોસ્પિટલ પાસે સખી વન સ્ટોપ સેન્ટરનું ખાતમૂહર્ત કર્યું હતું. આ સેન્ટર રૂ.50 લાખના ખર્ચે અંદાજે ડિસેમ્બર મહિના સુધીમાં નિર્માણ પામશે. ઉપરાંત તેઓએ વિકાસગૃહ રોડ પાસે આવેલ સખી વન સ્ટોપ સેન્ટરની મુલાકાત લીધી હતી. અને ઉપસ્થિત અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા.
ભારત સરકાર પુરસ્કૃત અને રાજ્યના મહિલા અને બાળવિકાસ વિભાગ દ્વારા રાજ્યભરમા શરૂ કરાયેલા ‘સખી વન સ્ટોપ સેન્ટર’ દ્વારા મહિલાઓને અનેકવિધ સેવાઓ પુરી પાડવામા આવી રહી છે. જાહેર કે ખાનગી સ્થળો ઉપરાંત કાર્યસ્થળો કે ઘરકુટુંબોમા શારીરિક, માનસિક હિંસાનો ભોગ બનેલી મહિલાઓ, કોઈપણ જાતના જ્ઞાતિ, જાતિ, ધર્મ, સંપ્રદાય, કે વૈવાહિક દરજ્જો,શિક્ષણ, કે ઉંમરના ભેદભાવ વિના આ સેન્ટરની સેવાઓ લઈ શકે છે. સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા મહિલાઓને તાત્કાલિક તબીબી સારવાર, કાયદાકીય માર્ગદર્શન અને સહાય, પોલીસ સહાય પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત મનોવૈજ્ઞાનિક પરામર્શ આપવામાં આવે છે. હિંસાગ્રસ્ત મહિલા પાસે રહેવાની સુવિધા ન હોય તેવા સંજોગોમાં હંગામી ધોરણે આશ્રય તાત્કાલિક ધોરણે પૂરી પાડવામાં આવે છે. જામનગરમાં આ સેન્ટરનું નિર્માણ થવાથી કોઈપણ પ્રકારની હિંસાથી મહિલાઓને માર્ગદર્શન અને પરામર્શ મળી રહેશે.
આ પ્રસંગે જામનગરના મહિલા અને બાળ વિકાસ અધિકારી ચંદ્રેશ ભાંભી, અનુસૂચિત જાતિ કલ્યાણના નાયબ નિયામક ડૉ. ધનશ્યામ, દહેજ પ્રતિબંધક અધિકારી (શહેર) સોનલબેન, દહેજ પ્રતિબંધક અધિકારી (ગ્રામ્ય) હંસા ડઢાણીયા, સખી વનસ્ટોપ સેન્ટર તેમજ આંગણવાડીના બહેનો હાજર રહ્યા હતા.