ખંભાળિયામાં રહેતા અને અગાઉ લૂંટના કેસના આરોપી એવા એક બાવાજી શખ્સ દ્વારા પાસામાંથી જામીન મેળવીને પરત આવ્યા બાદ એક રેંકડી ધારક સાથે ડખ્ખો કરી, ખંડણી માગતા આ શખ્સની પોલીસે અટકાયત કરી હતી.
આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયાની શ્રીજી સોસાયટી વિસ્તારમાં રહેતા અને રેંકડીમાં ફેરી કરીને ગુજરાન ચલાવતા શૈલેષભાઈ નાનજીભાઈ કછટીયા નામના 43 વર્ષના યુવાન સાંજના સમયે અત્રે બેઠક રોડ પર આવેલા નગરપાલિકા ગાર્ડન પાસે રેંકડી રાખી અને વેપાર કરતા હતા, ત્યારે આ માર્ગ પરથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક નીકળેલા અત્રે બસ સ્ટેશન રોડ વિસ્તારમાં રહેતા કૈલાશ ખીમનાથ બાવાજી નામના શખ્સે તેનું પ્લસર વાહન શૈલેષભાઈની રેંકડી સાથે ધડાકાભેર અથડાવ્યું હતું.
આ પ્રકારે અકસ્માત થવાથી કોઇ પણ વ્યક્તિનું મૃત્યુ થઇ શકે છે તેમ જાણવા છતાં પણ કૈલાસ બાવાજી દ્વારા અકસ્માત સર્જી, તેની સાથે રહેલો લાકડાનો ધોકો કાઢી અને રેંકડીધારક શૈલેષભાઈ પાસે આવ્યો હતો. જ્યાં તેણે શૈલેષભાઈને બિભત્સ ગાળો કાઢી, અને રેંકડી અહીં ન રાખવા માટે જણાવ્યું હતું.
આ બાબતનો પ્રતિકાર કરતા શૈલેષભાઈ જણાવ્યું હતું કે પોતે નગરપાલિકાને વેરો ભરી અને અહીં રેંકડી રાખીને વેપાર કરે છે. પરંતુ આરોપી કૈલાસ દ્વારા શૈલેષભાઈને રેંકડી રાખવા માટે રીતે ગેરકાયદેસર રીતે રોકડ રકમની માગણી કરી હતી. જે અંગે શૈલેષભાઈએ ના કહેતા કૈલાશે શૈલેષભાઈને મારી નાખવાની ધમકી આપી, તેમની રેંકડીના ખાનામાં રહેલા વેપારના રૂપિયા એક હજાર જેટલી રોકડ રકમ બળજબરીપૂર્વક કાઢી લીધી હતી. આટલું જ નહીં, ‘હું આવતીકાલે પણ તારી પાસેથી રૂપિયા લેવા આવીશ. તારે અહીંયા વેપાર કરવો હોય તો મને રૂપિયા આપવા પડશે. બાકી અહીંયા રેંકડી રાખતો નહીં‘- તેવી ધમકી આપી હોવાનું પણ વધુમાં જાહેર થયું છે.
આમ, ભય ફેલાવી અને ગેરકાયદેસર રીતે પૈસાની માગણી કરતાં ઉપરોક્ત શખ્સ સામે ખંભાળિયા પોલીસે આઈ.પી.સી. કલમ 308, 386, 504, 506 (2), 279 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, તેની અટકાયત કરી હતી. આ પ્રકરણમાં આગળની તપાસ અહીંના ઇન્ચાર્જ પી.આઈ. કે.એન. ઠાકરીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી કૈલાશ ખીમનાથ બાવાજી દ્વારા અહીંના એક જાણીતા વેપારી યુવાન સાથે લૂંટ તથા ડખ્ખા સહિતના ગુનામાં પાસા હેઠળ જેલવાસ ભોગવીને તાજેતરમાં પરત આવ્યા બાદ પુન: લખણ ઝળકાવતા પોલીસે તેની અટકાયત કરી, ધોરણસરની કાર્યવાહી કરી હતી.