રાજ્યના 2.83 લાખથી વધુ ખેડૂતો પાસેથી કુલ રૂા.2,922 કરોડના મૂલ્યના કુલ 5,58,636 મેટ્રિક ટન ચણાના જથ્થાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. રાજ્યમાં તા.01 માર્ચ-2022થી 90 દિવસ એટલે કે તા.29 મે-2022 સુધી રાજ્યના કુલ 187 કેન્દ્રો પરથી નોંધાયેલા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ચણાની ખરીદી કરવામાં આવી હતી તેમ કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું.
ગુજરાતમાં ટેકાના ભાવે ચણાની ખરીદી માટે રાજ્ય સરકાર દ્વારા ગુજકો માસોલની રાજ્ય નોડલ એજન્સી તરીકે નિમણૂક કરાઇ હતી. વર્ષ 2021-22માં કેન્દ્ર સરકારે ચણાના પાક માટે રૂા.5,230 પ્રતિ ક્વિ. ટેકાનો ભાવ જાહેર કર્યો હતો. મંત્રીશ્રીએ કહ્યું હતું કે ભારત સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલા 5,36,225 મે.ટન ચણાના જથ્થા ઉપરાંત બાકી રહી ગયેલા નોંધાયેલ ખેડૂતોના હિતમાં ગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવે રૂ.130 કરોડથી વધુ મૂલ્યના વધારાના 25,000 મે.ટન ચણાના જથ્થાની ખેડૂતો પાસેથી ખરીદી કરવા મંજુરી મળી હતી.
રાજ્યમાં ટેકાના ભાવે ચણાની ખરીદી માટે ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્રો ખાતે તા.01થી 28 ફેબ્રુઆરી-2022 દરમ્યાન કુલ 3,38,777 ખેડૂતોએ ઓનલાઇન નોંધણી કરાવી હતી. તેમ મંત્રીએ ઉમેર્યુ હતું.
કૃષિ મંત્રીએ કહ્યું હતું કે રાજ્યમાં ટેકાના ભાવે ચણાની ખરીદી માટે ભારત સરકારે સૌ પ્રથમ 3,19,957 મે.ટન ચણાના જથ્થાની ટેકાના ભાવે ખરીદી કરવા મંજૂરી અપાઇ હતી. ગુજરાતમાં નોંધણી થયેલ ખેડૂતોની સંખ્યા અને ચણાની પાક ઉત્પાદક્તાને ધ્યાને લઇ રાજ્ય સરકારએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ખેડૂતોના હિતમાં ભારત સરકારને માંગણી કરતાં કેન્દ્ર દ્વારા 4,65,818 મે.ટન ચણાની ટેકાના ભાવે ખરીદી કરવા મંજૂરી આપવામાં આવી હતી.
તેમણે ઉમેર્યું હતું કે આ ઉપરાંત રાજ્યમાં ચણાના બજાર ભાવની સરખામણીએ ટેકાના ભાવ વધારે હોવાથી નોંધણી થયેલ તમામ ખેડૂતોને ચણાના જથ્થાની ટેકાના ભાવે વેચાણ કરવાની તક મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ભારત સરકારને ચણાના વધારાના જથ્થાની ફાળવણી માટે પુન: વિનંતી કરવામાં આવી હતી. રાજ્ય સરકારની આ માંગણીને કેન્દ્ર સરકારે તુરંત સ્વીકારીને ગુજરાતના ખેડૂતોના હિતમાં જથ્થો વધારી કુલ 5,36,225 મે.ટન ચણાની ખરીદી કરવા મંજૂરી આપવામાં આવી હતી.
ચાલુ વર્ષે ચણાનું મબલખ ઉત્પાદન થતા રાજ્ય કૃષિ મંત્રીએ ખેડૂતોના હિતમાં ટેકાના ભાવે ચણાની ખરીદી પર સતત અંગત રસ લઇ તમામ કામગીરી પર દેખરેખ રાખવા સાથે ખેડૂતોની જરૂરિયાત મુજબનો જથ્થો મંજુર કરવામાં આવેલ તે માટે સતત પ્રયત્ન કરેલ હતો. રાજ્યમાં ટેકાના ભાવે ચણાની મબલખ ખરીદી થતા ખેડૂતોને આર્થિક ટેકો મળેલ છે. કૃષિ મંત્રીના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં ટેકાના ભાવે ચણાની ખરીદી ખૂબ જ સુચારુ અને સુયોગ્ય રીતે થતા રાજ્યના ખેડૂતોમાં ખૂબજ સંતોષ અને આનંદની લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે.
ભારત સરકાર દ્વારા ગુજરાતના ખેડૂતોના હિતમાં 5,36,225 મે.ટન ચણાના જથ્થાની ટેકાના ભાવે મંજૂરી આપવા બદલ રાજ્યના લાખો ખેડૂતો વતી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા તથા કેન્દ્રીયમંત્રી પરસોતમ રૂપાલાનો કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલે આભાર માન્યો હતો.
વધુમાં ચણાની ટેકાના ભાવે ખરીદીમાં સુયોગ્ય વ્યવસ્થા કરવા અને સફળ કામગીરી બદલ કૃષિ વિભાગની ટીમને અને ગુજકોમાસોલ તેમજ ખરીદી કરનાર સંસ્થાઓના હોદેદારો, કર્મચારીઓને કૃષિ મંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા.


