જામજોધપુર તાલુકાના જીણાવારી ગામમાંથી એકાદ મહિના પહેલા 14 વર્ષની એક સગીરાનું અપહરણ થઈ ગયું હતું, જેને ઉઠાવી જનાર શખ્સની જામજોધપુર પોલીસ દ્વારા શોધખોળ ચલાવવામાં આવી રહી હતી, અને કુતિયાણા પંથકમાંથી આરોપીને દબોચી લેવામાં આવ્યો છે, અને તેના કબજામાંથી સગીરાને મુક્ત કરાવાઈ છે, ઉપરાંત તેણે સગીરા સાથે અનેક વખત દુષ્કર્મ ગુજાર્યું હોવાથી તેની સામે પોક્સો એક્ટ સહિતની જુદી-જુદી કલમનો ઉમેરો કરાયો છે, અને તેને જેલમાં ધકેલી દેવાયો છે.
આ બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના ગીંગણી ગામમાં પોતાના મામાના ઘેર રહેવા માટે આવેલી મૂળ જુનાગઢ પંથકની વતની એવી 14 વર્ષની સગીરા કે જેની માતાનું અવસાન થયું હોવાથી છેલ્લા અઢી વર્ષથી પોતાના નાનીમાં અને મામાના ઘેર રહીને અભ્યાસ કરે છે.
જે સગીરા ગત 4.5.2022 ના દિવસે પોતાના ઘેરથી એકાએક લાપતા બની ગઈ હતી. આથી સગીરાના મામા તેમજ અન્ય પરિવારજનો દ્વારા તેની અનેક સ્થળે શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ તેનો કોઇ પત્તો સાંપડ્યો ન હતો.
જેથી ગત 25.5.2022 ના દિવસે મામા દ્વારા જામજોધપુર પોલીસ મથકમાં પોતાની ભાણેજનું અપહરણ થઈ ગયું હોવાનું જાહેર કર્યું હતું. જે ફરિયાદના અનુસંધાને જામજોધપુર પોલીસે તપાસનો દોર આગળ ધપાવ્યો હતો, અને આ અપહરણકાંડમાં પોરબંદર જીલ્લાના રાણાવાવ તાલુકાના રાણાકંડોરણા ગામના ભાવેશ ઝીણાભાઈ ધામેચા નામના શખ્સની સંડોવણી હોવાનું જાણવા મળ્યું હતું અને તે જ સગીરાને લલચાવી-ફોસલાવી ઉઠાવી ગયો હોવાનું જાણવા મળી ગયું હતું.
જેથી જામજોધપુરની પોલીસ ટીમ દ્વારા તપાસનો દોર પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ભીલડી ગામ સુધી લંબાવવામાં આવ્યો હતો, અને ત્યાં એક વાડીમાં રહીને મજૂરીકામ કરતા ભાવેશ ધામેચાને પકડી પાડયો હતો, અને તેના કબજામાંથી સગીરાને છોડાવી લઇ જામજોધપુર લઈ આવ્યા હતા. જે સગીરાની પૂછપરછ તેમજ તબીબી ચકાસણી કરાવતાં સગીરા સાથે ભાવેશે અનેક વખત દુષ્કર્મ ગુજાર્યું હોવાનું સામે આવ્યું હતું. આથી જામજોધપુર પોલીસે તેની સામે આઇપીસી કલમ 376-2 એન, તથા પોક્સો એક્ટ ની કલમ 4,6 નો ઉમેરો કર્યો છે, અને હાલ તેને જેલમાં ધકેલી દીધો છે.
આ સમગ્ર કાર્યવાહી જામજોધપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એમ.એમ. ચૌહાણ, તેમજ પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રજ્ઞરાજસિંહ જાડેજા, હરેશભાઈ પરમાર,ઉપરાંત રાજદીપસિંહ કે. જાડેજા, દિલીપસિંહ જાડેજા, અશોકભાઈ ગાગીયા, માનસંગભાઇ ઝાપડીયા, તેમજ વૈશાલીબેન નંદાણીયા વગેરેએ કરી હતી.