SAVE SOIL અભિયાનનું નેતૃત્વ કરતા અને ઈશા ફાઉન્ડેશનના સ્થાપક સદગુરુ જગ્ગી વાસુદેવ 27 દેશોની યાત્રા બાદ રવિવારે જામનગર પહોંચ્યા હતાં. બેડી બંદર ખાતે તેમનું આગમન થયા બાદ તેઓ આઈએનએસ વાલસુરા જામનગર ખાતે પહોંચ્યા હતાં જ્યાં તેમનું નેવલ બેન્ડ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. સદગુરુએ નૌકાદળના કર્મચારીઓ અને પરિવારો સાથે વાર્તાલાપ કર્યો હતો અને માટી બચાવો અંગે પ્રકાશ પાડવા ઉપરાંત માટી લુપ્તતાના વધતા જોખમ અંગે જાગૃત્તિ ફેલાવી હતી. સદગુરુએ અમિયાબાગની પણ મુલાકાત લીધી હતી. જેમાં 1200 આંબાના વૃક્ષો છે. તેમણે ભારતીય નૌકાદળ દ્વારા માટી અને હરિયાળીની જાળવણી માટે કરવામાં આવેલા પ્રયાસોની પણ પ્રશંસા કરી હતી. આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે તેમણે બે વૃક્ષો વાવી 75 ફળોના રોપા શાળાના બાળકોને ભેટમાં આપી વૃક્ષો વાવવાનો સંદેશ આપ્યો હતો.