ધ્રોલ તાલુકાના વાંકીયા ગામના રે. છગન ખીમાભાઈ ગડારા દયાળજી ટપુભાઈ ગડારા અને કેતન પ્રફુલ્લભાઈ દેત્રોજા દ્વારા ધ્રોલની મામલતદાર કોર્ટ સમક્ષ માવજીભાઈ ટપુભાઈ ભીમાણી અને કાનજી ટપુભાઈ ભીમાણી સામે કેસ દાખલ કરી વાંકીયા ગામની સીમના જુના સ.નં.13 અને નવા સન. નં.720 ની જમીન તેઓના સંયુકત નામે છે અને તે જમીનમાં તેઓનો આવવા જવાનો માર્ગ કાદોકદમી ગાડા રસ્તો જામનગર રાજકોટ હાઈવે તરફથી ઉત્તર તરફ ફંટાઈ માવજી ટપુભાઈની વાંકીયા ગામની જુના સનં.4/1/1 જેના નવા સ. નં.724 ની જમીનમાંથી પસાર થઈ તે રસ્તો આગળ વધતો હતો તે રસ્તો ઉપર તેઓના આવવા જવાના ઈઝમેન્ટરી હકકો અન્વયે આ માવજી ટપુભાઈ ભીમાણી તેમજ કાનજી ટપુભાઈ હરકત કરતા હોય, જેથી મામલતદાર કોર્ટ સમક્ષ કેસ કરેલ જે કામમાં મામલતદારે બન્ને પક્ષકારોની રજૂઆત સાંભળી અને છગન ખીમાભાઈ ગડારા વિગેરેની તરફેણમાં ચૂકાદો આપેલ હતો. જે હુકમથી નારાજ થઈ માવજી ટપુભાઈ તથા કાનજીભાઈ ટપુભાઈએ પ્રાંત અધિકારી સમક્ષ રીવીઝન અરજી કરી હતી. જે અરજી અન્વયે પણ બન્ને પક્ષકારોને સાંભળી પ્રાંત અધિકારી એ છગનભાઈ ખીમાભાઈ ગડારા વિગેરેની તરફેણમાં હુકમ કરતા અને તે હુકમ અન્વયે મામલતદાર એ સર્કલ ઓફિસર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે આ ઈઝમેન્ટરી રાઈટ ખુલ્લો કરવાની કાર્યવાહીનો હુકમ કર્યો હતો. જેની સામે માવજીભાઈ ટપુભાઈ અને કાનજી ટપુભાઇએ સીવીલ કોર્ટ જામનગરમાં દાવો કરી મનાઇ હુકમની માંગણી કરી હતી. કોર્ટે બન્ને પક્ષકારોની લંબાણપૂર્વકની દલીલ તેમજ ઉચ્ચ અદાલતના ચૂકાદા ધ્યાને લઇ સીવીલ કોર્ટને મામલતદારના હુકમ સામે દાવો ચલાવવા હકુમત નહીં હોવાનું ઠરાવી માવજી ટપુભાઈ ભીમાણી અને કાનજી ટપુભાઈ ભીમાણીનો દાવો રદ્દ કરતો હુકમ કર્યો છે. આમ ફકત, 15 દિવસમાં દાવાનો નિકાલ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે. છગન ગડારા તરફથી વકીલ હેમલ એચ. ચોટાઈ તથા વી.એચ. બકી રોકાયેલા હતાં.