યોગ એ ભારતની સમૃદ્ધ અને મહાન સાંસ્કૃતિક વિરાસત છે. જેનો પરિચય વિશ્વને ત્યારે થયો, જયારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના અથાક પ્રયાસોથી આપણી યોગકલા આજે વિશ્વ કક્ષાએ પહોંચી ચુકી છે. જેની ફલશ્રુતિ સ્વરૂપે દ્વારા 21 જુનને ’આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે પણ જાહેર કરવામાં આવ્યો છે.
21 જૂન, 2019ના રોજ રમત ગમત યુવા સાંસ્કૃતિક વિભાગ અંતર્ગત, ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો એકમાત્ર ઉદ્દેશ છે : ’હવે તો બસ એક જ વાત, યોગમય બને ગુજરાત…’ આજે મહત્તમ લોકો યોગ સાથે જોડાઈને તંદુરસ્ત જીવનશૈલી અપનાવે, તેવા ઉત્કૃષ્ટ ઉદ્દેશ સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નિ:શુલ્ક યોગ મહાશિબિરનું જામનગર જિલ્લા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગઈકાલે ’યોગ પે ચર્ચા’ કાર્યક્રમ યોજાયા બાદ આજરોજ સવારે 5:30થી 7:30 દરમિયાન ’નિ:શુલ્ક મહા યોગ શિબિર’નું ક્રિકેટ બંગલો, જિલ્લા પંચાયત, લાલ બંગલા પાસે આયોજન કરવામાં આવ્યું હતું. આ યોગ શિબિરનું સંચાલન ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શીશપાલ દ્વારા કરવામાં આવ્યુ હતું.
આ કાર્યક્રમને સફળ બનાવવા જામનગર જિલ્લા કો-ઓડીનેટર પ્રીતિબેન શુકલ, શહેર કો-ઓડીનેટર રાજશ્રીબેન પટેલ, સિનિયર યોગ કોચ હર્ષિતાબેન મહેતા, સૌરાષ્ટ્ર જોન કો-ઓડીનેટર અનિલભાઈ ત્રિવેદી સહિતના અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી.