ખંભાળિયા તાલુકાના સલાયા ગામના એક વહાણવટીનું 282 ટનની કેપેસોટીનું વહાણ શુક્રવારે સવારના સમયે સલાયાથી પોરબંદર તરફ જતા કોઈ કારણસર દરિયામાં ડૂબી ગયું હતું. જો કે તેમાં જઈ રહેલા તમામ છ ખલાસીઓ તરાપાની મદદથી જીવ બચાવવામાં સફળ થયા હતા.
આ અંગેની જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના સલાયા ગામના રહીશ ગની સુલેમાન સંઘાર નામના એક વાણવટીની માલિકીનું ગોષે જીલાની નામનું અને બી.ડી.આઈ. – 234 નંબરનું રજીસ્ટ્રેશન ધરાવતું 282 ટનની ક્ષમતા ધરાવતું અને આશરે રૂ. 40 લાખ જેટલી કિંમત ધરાવતું ખાલી વહાણ સલાયાથી ગુરુવારે રાત્રે દસેક વાગ્યે માલ સામાન ભર્યા વગર પોરબંદર જતું હતું. આ વહાણમાં પોરબંદરથી 50 ટન માલ સામાન ભરીને દુબઈ તરફ જવાનું હતું.
વહાણના માલિકના બે પુત્રો, ભત્રીજાઓ સહિતના પરિવારજનો એવા છ ખલાસીઓને સાથે લઈને નીકળેલું આ વહાણ પોરબંદર પહોંચે તે પહેલાં ગઈકાલે શુક્રવારે સવારના દસેક વાગ્યે મધદરિયે ફૂંકાયેલા વંટોળિયાનો ભોગ બન્યું હતું. આશરે 50 કી.મી.ની ઝડપે ફૂંકાયેલા તેજ પવન સામે આ વહાણ ટકી શક્યું ન હતું અને પોરબંદર પહોંચે તે પહેલા અરબી સમુદ્રમાં લાઈટ હાઉસથી થોડે દૂર ડૂબવા લાગ્યું હતું. વહાણમાં પાણી ભરાવા લાગતા તેમાં સવાર તમામ છ મુસાફરો આ વહાણમાં સાથે રાખવામાં આવેલી નાની (સેફ્ટી) બોટ સાથે દરિયામાં ઉતરી ગયા હતા. થોડી વાર બાદ દરિયામાં રહેલા આ ખલાસીઓને જોઈ અને આ વિસ્તારમાં માછીમારી કરી રહેલી “નારા એ તકદીર” નામની ફિશીંગ બોટના માછીમારોએ આ ડૂબી ગયેલી આ બોટના ખલાસીઓને પોતાની બોટમાં બચાવી, સલામત રીતે કિનારે પહોંચાડ્યા હતા. આ માલવાહક વહાણની થયેલી જળસમાધી વચ્ચે તેમાં સવાર તમામ ખલાસીઓ સલામત રીતે પહોંચતા તેમના પરીવારજનોમાં રાહતની લાગણી જોવા મળી હતી.