ભાણવડ તાબેના રૂપામોરા ગામે બે કુટુંબીજનો વચ્ચે પાળો તોડી પાડવા બાબતે બઘડાટી બોલી ગઈ હતી. જેમાં સામ-સામા પક્ષે કુલ અડધો ડઝન શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ભાણવડ તાલુકાના રૂપામોરા ગામે રહેતા લખુભાઈ વેજાભાઈ કરથીયા નામના 54 વર્ષીય સગર આધેડની વાડીના ખેતરના સેઢે ગાડા માર્ગ હોય, અહીં વરસાદી પાણી ના આવે તે માટે તેમણે માર્ગમાં માટીનો પાળો કર્યો હતો. આ માટીનો પાળો તોડી પાડવામાં આવતા આ અંગે નવાગામ ખાતે રહેતા ડાયાભાઈ વેજાભાઈ કરથીયા, જયસુખભાઈ ડાયાભાઈ કરથીયા અને ભીમાભાઈ ડાયાભાઈ કરથીયા નામના ત્રણ શખ્સોને સમજાવવા જતા ઉશ્કેરાયેલા આ શખ્સોએ ફરિયાદી લખુભાઈ સાથે ઝઘડો કરી અને લાકડી વડે હુમલો કર્યો હતો. આટલું જ નહીં, બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપતા આ સમગ્ર બનાવ અંગે લખુભાઈ કરથીયાની ફરિયાદ પરથી ભાણવડ પોલીસ દ્વારા કલમ 323, 324, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ બનાવમાં સામા પક્ષે ડાયાભાઈ વેજાભાઈ કરથીયા (ઉ.વ. 56, રહે. નવાગામ) એ રૂપામોરા સીમ વિસ્તારમાં રહેતા લખુભાઈ વેજાભાઈ કરથીયા, જયેશ લખુભાઈ કરથીયા અને નગીન લખુભાઈ કરથીયા નામના ત્રણ શખ્સો સામે ભાણવડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયાદમાં જાહેર થયેલી વિગત મુજબ આરોપીઓના ખેતરની બાજુમાં આવેલા ગાડા માર્ગમાં માટી નાખીને પાળો કરવામાં આવેલ હોય, જે પાળો ફરિયાદી ડાયાભાઈને ખેતરે જતા રસ્તામાં અડચણરૂપ હોવાથી ડાયાભાઈના પુત્રએ તે તોડી નાખ્યો હતો. આ બાબતનો ખાર રાખીને આરોપીઓ દ્વારા બિભત્સ ગાળો કાઢી, લોખંડના પાઈપ તથા લાકડી વડે હુમલો કરીને ફ્રેકચર સાહિત્ય ઈજાઓ કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનું આ ફરિયાદમાં જાહેર થયું છે.
આ બનાવ અંગે ભાણવડ પોલીસે આઈ.પી.સી. કલમ 323, 325, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.