દેવીપૂજક સમાજ પ્રગતિ ટ્રસ્ટ જામનગર દ્વારા મોટી ખાવડી ખાતે સૌપ્રથમ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે ઉપસ્થિત રહી પ્રભુતામાં પગલાં પાડી રહેલા 12 નવદંપતિને આશીર્વચન પાઠવ્યા હતા.
આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે શિક્ષણ કોઈપણ સમાજ માટે અતિ મહત્વનું હોય છે. દેવીપૂજક સમાજ પણ શિક્ષણના યજ્ઞમાં સહભાગી થાય અને પોતાનો સર્વાંગી વિકાસ કરે તેવી મંત્રીએ અભ્યર્થના વ્યક્ત કરી હતી. સમાજ સંગઠિત બને અને દરેક નાગરિકની ઉન્નતિ થાય તેવું વાતાવરણ આજે દરેક સમાજે ઉભું કરવું પડશે. આ પ્રકારના સમુહલગ્નના આયોજન થકી જોઈ શકાય છે કે આ સમાજમાં એકતાની ભાવના છે અને સમાજ પ્રગતિના પંથે છે.સમાજના નિરક્ષર, ગરીબ, છેવાડાના સમાજને મદદરૂપ થવું એ સરકારનો ધ્યેય છે. અતિ ધાર્મિક અને માતાજીમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા આ સમાજને સરકારે ‘દેવીપૂજક’નું ગૌરવભર્યું સંબોધન આપ્યું છે.
આ પ્રસંગે, સમુહલગ્નના ભોજનનો તમામ ખર્ચ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ઉઠાવવાની જાહેરાત કરી હતી. તો કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે પણ રૂ.21 હજારનું અનુદાન આપી સમૂહલગ્નમાં સહભાગી થયા હતા.