ખંભાળિયા તાલુકાના ભંડારિયા ગામે રહેતા દસ વર્ષના એક બાળકને ગત સપ્તાહમાં સર્પદંશ થતાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું.
આ કરૂણ બનાવની વિગત મુજબ ખંભાળિયા તાબેના ભંડારિયા ગામે રહેતો શ્યામ ગોવિંદભાઈ કનારા નામનો દસ વર્ષીય બાળક ગત તા. 17 ના રોજ સાંજના સમયે પોતાના રહેણાંક મકાનની દીવાલ પાસે લઘુશંકા કરી રહ્યો હતો, ત્યારે તેને પગમાં ઝેરી સર્પે દંશ દેતા તેને ખંભાળિયાની એક ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવારની જરૂર જણાતા જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેણે અંતિમ શ્ર્વાસ લીધા હતા.
આ અંગેની જાણ મૃતકના પિતા ગોવિંદભાઈ સામતભાઈ કનારા (ઉ.વ. 35, રહે. ભંડારિયા) એ પોલીસને કરી છે. આ બનાવે મૃતક બાળકના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરાવી છે.