વિશ્વ વિખ્યાત આયુર્વેદ હોસ્પિટલમાં કોરોના મહામારીના કપરા સમય બાદ દર્દીઓનો વધારો થયો છે. દેશી ઉપચાર પદ્ધતિમાં લોકોમાં વધુને વધુ વિશ્વાસ બેસતો જાય છે. તેના કારણે જામનગરની આયુર્વેદ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓની સંખ્યામાં અનેકગણો ઉછાળો આવ્યો છે. ત્યારે સોમવારથી આ હોસ્પિટલના એકસ-રે સોનોગ્રાફી વિભાગના તબીબ બિમાર પડવાથી એક સપ્તાહ સુધી બંધ રહેશે. જેને કારણે દર્દીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડશે.
જામનગરમાં આવેલી આયુર્વેદ હોસ્પિટલ આંતરરાષ્ટ્રીય કક્ષાએ નામના મેળવી રહી છે અને હાલમાં વડાપ્રધાન મોદી આંતરરાષ્ટ્રીય કક્ષાના સેન્ટરના ખાતમુહૂર્ત માટે જામનગર આવ્યા હતાં. આ સેન્ટર ડબલ્યુએચઓ જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાના સહયોગથી નિર્માણ થનાર છે. જેથી ભવિષ્યમાં જામનગર આંતરરાષ્ટ્રીયસ્તરે વિખ્યાત થઈ જશે તો બીજી તરફ જામનગરમાં આવેલી આયુર્વેદ હોસ્પિટલમાં વહીવટ દિવસને દિવસે કથળતો જાય છે. તેમાં પણ ખાસ કરીને દેશી ઉપચાર માટે ગામેગામથી આવતા દર્દીઓને પારવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ હોસ્પિટલમાં એકસ-રે સોનોગ્રાફી વિભાગના તબીબ રેડિયોલોજીસ્ટ બિમાર હોવાથી સોમવારથી રજા ઉપર ગયા છે. ત્યારે આ હોસ્પિટલમાં એકમાત્ર રેડિયોલોજીસ્ટ હોવાને કારણે એકસ-રે વિભાગમાં એક સપ્તાહ સુધી કામગીરી બંધ રહેશે. જેના કારણે સારવાર માટે આવતા દર્દીઓને એકસ-રે બહાર ખાનગી હોસ્પિટલોમાં કરાવવો પડે તેવી પરિસ્થિતિ સર્જાઇ છે!!