ગુજરાત સહિત દેશભરમાં ચોમાસું સળવળાટ શરૂ થયો છે. રાજધાની દિલ્હી સહિત ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર સહિતના રાજ્યોમાં આજે સવારથી હવામાનનો મિજાજ બદલાઈ ગયો છે. ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં ક્યાંક હળવો તો ક્યાંક જોરદાર વરસાદ પડી રહ્યો છે. તો દક્ષિણ ગુજરાતમાં પણ રપ મે થી પ્રિ-મોન્સુન એકિટવીટી શરૂ થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. પ્રિ-મોન્સુન એકિટવીટીના ભાગરૂપે ફૂંકાઇ રહેલી ઠંડી હવા અને વરસાદને પગલે લાંબા સમયથી ભીષણ ગરમીમાં સેકાઇ રહેલાં લોકોને રાહત સાંપડી છે. દિલ્હીથી લઈને નોઈડા, ગાજિયાબાદ સહિત એનસીઆરના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડતાં જનજીવનને અસર પહોંચી છે. ઝડપી પવન સાથે શરૂ થયેલા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે અને વીજ સપ્લાય પણ ખોરવાઈ ગઈ છે. વરસાદને કારણે અનેક ફ્લાઈટ પણ રોકવી પડી છે. ઉત્તરપ્રદેશમાં કાળઝાળ ગરમીથી લોકોને રાહત આપતાં ચોમાસાએ દસ્તક આપી છે.
આવી જ રીતે ઉત્તરાખંડમાં વહેલી સવારથી જ વરસાદ પડતાં ગરમીમાં ઘટાડો નોંધાયો છે. રાજસ્થાનમાં ગઈકાલે ધૂળની આંધી તેમજ વાદળછાયા વાતાવરણને કારણે લોકોને ભીષણ ગરમીમાંથી રાહત મળી હતી. રાજ્યમાં મહત્તમ તાપમાનમાં ગભગ ચાર ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે નવા પશ્ર્ચિમી વિક્ષોભથી રાજ્યના ઉત્તરી ભાગોમાં ક્યાંક ક્યાંક ગર્જના સાથે તો ક્યાંક ક્યાંક પવન સાથે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે પંજાબ-હરિયાણા માટે ઑરેન્જ એલર્ટ જાહેર કરી દીધું છે. હવામાન વિભાગે લોકોને સલાહ આપી છે કે તે તોફાન સમયે ઘરમાંથી બહાર નીકળવાનું ટાળે. વિભાગના પૂર્વાનુમાન અનુસાર લોકોને આજે અને કાલે ગરમીમાંથી રાહત મળી શકે છે. વિભાગ દ્વારા એલર્ટ અનુસાર પંજાબ, હરિયાણા, યુપી અને હિમાચલના અમુક વિસ્તારોમાં આજે જોરદાર વરસાદ પડી શકે છે. વરસાદ ઉપરાંત 50 થી 60 કિ.મી.ની ઝડપે હવાઓ પણ ફૂંકાઈ શકે છે. વાતાવરણમાં પલટાથી લોકોને ગરમીમાંથી રાહત જરૂર મળશે સાથે સાથે તોફાનને કારણે નુકસાન થવાની પણ આશંકા છે. મધ્યપ્રદેશમાં પણ આજથી પ્રિ-મોન્સુન ગતિવિધિ શરૂ ચૂકી છે. અનેક જિલ્લાઓમાં ગર્જના, વીજ ચમકારા, આંધી સાથે વરસાદ પડશે. પૂર્વી મધ્યપ્રદેશમાં તેની અસર પહેલાં તો પશ્ચીમી મધ્ય પ્રદેશમાં એક-બે દિવસ બાદ જોવા મળશે. વરિષ્ઠ હવામાન વૈજ્ઞાનિક ડો.મમતા યાદવે જણાવ્યું કે 22 મેએ પાકિસ્તાન તરફથી આવેલું એક પશ્ચીમી વિક્ષોભ મધ્યપ્રદેશમાંથી પસાર થશે. આ સાથે જ રાસ્થાનથી ઉત્તરી છત્તીસગઢ અને ઓરિસ્સાના અમુક વિસ્તારોની ઉપર એક દ્રોણિકા પણ બનેલી છે. આ બન્નેના પરિણામ સ્વરૂપે જ મધ્યપ્રદેશમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે કોંકણ અને ગોવા, દક્ષિણ મધ્ય મહારાષ્ટ્ર, તામિલનાડુ, આંધ્રપ્રદેશ અને તેલંગણામાં હળવા વરસાદની શક્યતા છે.


