જામનગર મહાનગરપાલિકામાં ટેન્ડર નિયમો અનુસાર ખોલવામાં આવતા ન હોય આ અંગે સત્યસાંઈ કૃપા કન્સ્ટ્રકશન દ્વારા કમિશનરને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે, પ્રોજેટક એન્ડ પ્લાનિંગ શાખા જામનગર મહાનગરપાલિકા દ્વારા દસ સ્થળોમાં મોનોપાલ હોર્ડીંગબોર્ડ માટે તા.25-1-2022 ના રોજ ટેન્ડર બહાર પાડી ભાવ મંગાવવામાં આવ્યાં હતાં. જે અંગે આ એજન્સી દ્વારા ટેન્ડર ભર્યા હતાં. છતાં હજુ સુધી સરકારના નિયમ મુજબ ટેન્ડર ખોલવામાં આવ્યાં નથી અને જે-તે વખતના ડે.એન્જીનિયર અને હાલના સીટી એન્જીનિયરના કોઇ મળતિયાઓએ હાલનું ટેન્ડર ભર્યુ ન હોય જેથી ટેન્ડર ખોલવામાં આવ્યું ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આથી ભરાયેલ ટેન્ડરો તાકીદે ખોલવા અથવા ટેન્ડર ન ખોલવાનું કારણ લેખિતમાં જણાવવા માંગણી કરાઇ છે.