જામનગર જિલ્લાના મોટી ખાવડીમાં ધોરીમાર્ગ પર સવારના સમયે રસ્તો ઓળંગતા યુવાનને પૂરઝડપે બેફીકરાઈથી આવતી જામનગર પાસીંગની સ્વીફટ કારના ચાલકે હડફેટે લેતા અકસ્માતમાં ઘવાયેલા યુવાનનું મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ નાશી ગયેલા કારચાલકની પોલીસે શોધખોળ આરંભી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામમાં જામનગર-ખંભાળિયા હાઈ-વે પર ગુરૂવારે સવારના સમયે રાજેન્દ્રસિંહ નામનો યુવાન રસ્તો ઓળંગતો હતો તે દરમિયાન પૂરઝડપે બેફીકરાઇથી આવતી જીજે-10-બીઆર-5998 નંબરની સ્વીફટકારના ચાલકે યુવાનને હડફેટે લેતા ગમખ્વાર અકસ્માતમાં શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માતના બનાવ બાદ ચાલક કાર સાથે નાશી ગયો હતો.
ત્યારબાદ મૃતક યુવાનના મિત્ર મહમદ અંસારી દ્વારા જાણ કરાતા પીએસઆઈ વાય.બી. રાણા તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થળ પરથી યુવાનના મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી કારચાલક વિરુધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.


