જામનગર શહેરમાં વર્ષો જુની રખડતાં ઢોરની સમસ્યાથી શહેરીજનો ત્રસ્ત થયા છે. જામનગર મહાનગરપાલિકાની લાપરવાહીને પરિણામે અવાર-નવાર શહેરના નાગરિકો રખડતાં ઢોરની હડફેટે ચડે છે. તાજેતરમાં કિસાન ચોક નજીક ફરી એક વખત રખડતા ઢોરે મહિલાને હડફેટ લેતાં ઇજા પહોંચી હતી.
જામનગર મહાનગરપાલિકાનું તંત્ર રખડતા ઢોરની સમસ્યા ઉકેલવામાં વામણું પુરવાર થયું છે. શહેરનો એકપણ માર્ગ એવો નહીં હોય કે, જ્યાં રખડતા ઢોર જોવા ન મળે શહેરમાં ઠેક-ઠેકાણે માર્ગો પર રખડતા ઢોરો અડીંગો જમાવીને બેઠા હોય છે. જેના કારણે અવાર-નવાર અકસ્તો સર્જાતા રહે છે. તેમજ આખલા યુધ્ધને પરિણામે અનેક નાગરિકો હડફેટે ચડે છે. ગઇકાલે રાત્રે કિસાનચોક નજીક રાધે-કૃષ્ણ મંદિર પાસે સુનિતાબેન ભૂપતભાઇ વાઘેલા નામના મહિલાને રખડતા ઢોરે હડફેટે લેતાં ગંભીર ઇજા પહોંચી હતી. તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
આમ, જામનગરના નાગરિકો અવાર-નવાર રખડતાં ઢોરનો ભોગ બને છે. આમ છતાં જામનગર મહાનગરપાલિકાનું તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોય, તેવું જોવા મળી રહ્યું છે. તંત્રની બેદરકારીનો નાગરિકો ભોગ બની રહ્યાં છે.