વારાણસીમાં જ્ઞાનવાપીના ત્રીજા દિવસના સરવેનું કામ પૂરું થઈ ચૂક્યું છે. કાલે સિવિલ જજ સિનિયર ડિવિઝન રવિ કુમાર દિવાકરની કોર્ટમાં રિપોર્ટ સોંપવામાં આવશે. સરવે બાદ હિન્દુ પક્ષના સોહનલાલ બહાર આવ્યા તો તેમણે મોટો દાવો રજૂ કર્યો. સોહનલાલે કહ્યું, બાબા મળી ગયા. જેટલું શોધતા હતા એના કરતાં વધુ બહાર આવી રહ્યું છે. આના પછી પશ્ર્ચિમી દિવાલ પાસે જે 75 ફૂટ લાંબો અને 30 ફૂટ પહોળો અને 15 ફૂટ ઊંચો કાટમાળ હવે અમારો ટાર્ગેટ છે.
બીજી તરફ, સરવેથી સંતુષ્ટ મુસ્લિમ પક્ષે હિન્દુ પક્ષના દાવાઓને ફગાવી દીધા હતા. વકીલે કહ્યું હતું કે આવું કંઈ મળ્યું નથી. અમે સરવેથી સંતુષ્ટ છીએ. આવતીકાલે એટલે કે 17 મેના રોજ કોર્ટમાં રિપોર્ટ રજૂ કરવામાં આવશે. જણાવી દઈએ કે એડવોકેટ કમિશનરની આગેવાનીમાં વાદી-પ્રતિવાદી પક્ષમાંથી 52 લોકોની ટીમ સવારે 8 વાગ્યે પરિસરમાં દાખલ થઈ હતી. લગભગ 10:30 વાગ્યે સર્વે સમાપ્ત થયો.
હિંદુ પક્ષના વકીલ ડો. સોહનલાલે જણાવ્યું હતું કે નંદી જેમની રાહ જોઈ રહ્યા હતા એ શિવલિંગ મળી ગયું છે. ઈતિહાસકારોએ જે લખ્યું એ સાચું હતું. બાબાને મળતાં જ અંદર હર હર મહાદેવનો ઉદ્ઘોષ થયો. ડીએમ કૌશલરાજ શર્માએ કહ્યું હતું કે જો કોઈએ સરવે વિશે કંઈપણ કહ્યું અથવા દાવો કર્યો છે, તો તે તેમનો વ્યક્તિગત અભિપ્રાય હોઈ શકે છે. કોર્ટ કમિશનર દ્વારા રિપોર્ટ રજૂ કર્યા બાદ કોર્ટ દ્વારા જ કોઈપણ બાબત જણાવવામાં આવશે. કોઈના અંગત અભિપ્રાય કે અભિપ્રાય પર કોઈએ ધ્યાન આપવાની જરૂર નથી. સૂત્રોના અહેવાલો અનુસાર સરવેમાં સામેલ એક વ્યક્તિને અંદરની જાણકારી લીક કરવાના મામલે સરવેની કામગીરીમાંથી હટાવવામાં આવી છે.