જામનગર શહેરમાં વ્હોરાના હજીરાથી ગુલાબનગર આવવાના માર્ગ પરથી પસાર થતી ઈક્કો કારમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી રૂા.63 હજારની કિંમતની 126 બોટલ દારૂ સહિત રૂા.2.73 લાખના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા હતાં.
આ દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં વ્હોરાના હજીરાથી ગુલાબનગર તરફના માર્ગ પર ઈકકો કારમાં દારૂનો જથ્થો પસાર થવાની એએસઆઇ હિતેશ ચાવડા તથા પો.કો. હરદીપ બારડને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી ઈન્ચાર્જ ડીવાયએસપી એમ.બી. સોલંકીના માર્ગદર્શન હેઠળ પીઆઈ એમ.એન.ચૌહાણ, પીએસઆઈ સી.એમ. કાંટેલિયા, એએસઆઇ એચ.એમ. ચાવડા, હેકો રાજેશ વેગડ, પો.કો. દેવેન ત્રિવેદી, હરદીપ બારડ, સંજય પરમાર સહિતના સ્ટાફે વોચ ગોઠવી પસાર થતી બાતમી મુજબની જીજે-10-ટીએકસ-1732 નંબરની ઈક્કો કારને આંતરીને તલાસી લેતા તેમાંથી રૂા.63000 ની કિંમતની 126 નંગ દારૂની બોટલો મળી આવતા પોલીસે મહમદ ફૈજલ ફારુક મતવા, ફૈજલ અબ્દુલ આમરોણીયા, સબીર હનિફ દેથા નામના ત્રણ શખ્સોને રૂા.1.50 લાખની કિંમતની કાર અને રૂા.10 હજારની કિંમતના બે મોબાઇલ સહિત કુલ રૂા.2,23,000 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. પોલીસે ત્રણેયની પૂછપરછ કરતા આ દારૂનો જથ્થો જામજોધપુરના યુનુસ ઉર્ફે મુનો રાવકડા દ્વારા સપ્લાય કરાયો હોવાનું ખૂલતા પોલીસે ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
બીજો દરોડો, જામનગર શહેરમાં વિકટોરિયા પુલ નીચે આવેલી અવાવરુ જગ્યામાં કાર પાર્ક કરેલી હોવાની મળેલી બાતમીના આધારે સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન જીજે-12-જે-2879 નંબરની સ્વીફટ કારની તલાસી લેતા તેમાંથી રૂા.26 હજારની કિંમતની 52 નંગ દારૂની બોટલો અને દોઢ લાખની કિંમતની કાર મળી કુલ રૂા.1,76,000 નો મુદ્દામાલ કબ્જે કરી કાર નંબરના આધારે બુટલેગરની શોધખોળ આરંભી હતી.
ત્રીજો દરોડો, જામજોધપુર તાલુકાના અંધારીયાનેશ પાટણ ગામના વાડી વિસ્તારમાં આવેલા ખેતરમાં પોલીસે રેઈડ દરમિયાન તલાસી લેતા તેમાંથી રૂા.5000 ની કિંમતની દારૂની 10 બોટલો મળી આવતા પોલીસે અરજણ નાજા સામળા અને પુજા મેરા સામળા નામના બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી દારૂનો જથ્થો કબ્જે કરી તપાસ હાથ ધરી હતી.
ચોથો દરોડો, જામનગર શહેરમાં મહાપ્રભુજીની બેઠકથી ઠેબા ચોકડી તરફના રોડ તરફ પસાર થતા મહેશ બાબુ મકવાણા નામના શખ્સને સીટી એ પોલીસે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.1400 ની કિંમતના 14 નંગ દારૂના ચપટા સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા દારૂના જથ્થાના દિલીપસિંહ ઉર્ફે ધમો જશવંતસિંહ જાડેજા નામના શખ્સને દારૂનો જથ્થો આપ્યો હોવાનું જણાવતા પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
પાંચમો દરોડો, કાલાવડ તાલુકાના ખરેડી ગામમાંથી પસાર થતાં જેન્તી દલસીંગ પચાયા નામના શખ્સને પોલીસે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.2000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 4 બોટલ અને પીળા કલરની બાચકી મળી આવતા પોલીસે ધરપકડ કરી ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
છઠો દરોડો, જામનગર શહેરમાં દિ.પ્લોટ 49 રોડ તરફ આવેલા ભુમી એન્ટરપ્રાઈઝ નામના કારખાનાની ઓફિસમાંથી પોલીસે રેઈડ દરમિયાન તલાસી લેતા 200 એમએલ દારૂ મળી આવતા જયેશ રાજેન્દ્ર વઢવાણ નામના શખ્સની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સાતમો દરોડો, જામનગર શહેરમાં હર્ષદમીલની ચાલી પાસે બાઇની વાડીના ખુણે રણજીતસાગર રોડ પાસે રહેતાં કાનજી ગોવિંદભાઇ પરમાર તથા કિશોર કાનજીભાઇ પરમાર નામના શખ્સો દ્વારા તેમના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પોલીસે રેઇડ દરમ્યાન રૂા.1000ની કિંમતની દારૂની બે બોટલો તથા રૂા.200ની કિંમતનો મોબાઇલ ફોન મળી કુલ રૂા.1200ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. તેમજ આ દારૂનો પૂરો પાડનાર મો.નં.99245 21858ના આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.