ધો.12 સાયન્સનું પરિણામ આ વર્ષે 70 ટકાથી ઓછુ આવ્યુ છે અને વિદ્યાર્થીઓની સંખ્યા ગત વર્ષથી ઘણી ઓછી છે ત્યારે જેની સૌથી મોટી અસર બીએસસી પ્રવેશને થશે.ગત વર્ષે માસ પ્રમોશન છતાં ગુજરાત યુનિ.ની સાયન્સ કોલેજોની 6 હજાર બેઠકો ખાલી રહી હતી ત્યારે આ વર્ષે આઠ હજારથી વધુ બેઠકો ખાલી રહે તેવી સ્થિતિ છે. ગુજરાત યુનિ.સંલગ્ન યુજી સાયન્સ કોલેજો અને ડિપાર્ટમેન્ટ મળીને 34 જેટલી કોલેજો છે.જેમાં 14 હજારથી વધુ બેઠકો છે.
બે વર્ષ પહેલા ગુજરાત યુનિ.એ નવી કોલેજોને મંજૂરી આપવા સાથે બેઠકો વધારવાની પણ મંજૂરી આપતા બેઠકો ઘણી વધી ગઈ છે પરંતુ બીજી બાજુ સાયન્સ કોલેજોને વિદ્યાર્થીઓ જ મળતા નથી.ગત વર્ષે 12 સાયન્સમાં માસ પ્રમોશનને પગલે 100 ટકા રિઝલ્ટ હોવા છતાં પણ બીએસસીમાં ચારથીપાંચ પ્રવેશ રાઉન્ડના અંતે પણ 6 હજાર જેટલી બેઠકો ખાલી રહી હતી.
આ વર્ષે 12 સાયન્સના પરિણામમાં અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં પાંચ હજારથી પણ ઓછા અને ગ્રામ્યમાં 3700 જેટલા વિદ્યાર્થીઓ મળીને 8600 જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે. મોટા ભાગે 12 સાયન્સના વિદ્યાર્થીઓએ ઈજનેરી, ફાર્મસી, મેડિકલ, પેરા મેડિકલ સહિતના કોર્સમાં સારી કોલેજમાં પ્રવેશ ન મળે તો બી.એસસી પ્રવેશ લેતા હોય છે ત્યારે આ વર્ષે તો સાયન્સ કોલેજો માટે બેઠકો ભરવી ખૂબ જ મુશ્કેલ બનશે. આ વર્ષે બીએસસીની 60 ટકાથી વધુ બેઠકો ખાલી રહે તેવી સ્થિતિ છે.