આજે રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને કેબીનેટની બેઠક મળી હતી. આ બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ કરીને મહત્વની માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે કેબીનેટની બેઠકમાં મહેસુલ વિભાગને લઇને એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સૌથી વધુ ફાયદોકચ્છને થશે.
રાજ્ય સરકારના પ્રવકતા જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે ભૂકંપમાં 20 હજાર જેટલા મકાનો બંધાયા હતા. આ મકાનોને ટાઇટલ મળતું ન હતું. જેથી ટાઇટલ ક્લિયર કરવાનો નિર્ણય કર્યો છે. કેબીનેટની બેઠકમાં ટાઇટલ ક્લીયરને મંજુરી આપવામાં આવી છે. કચ્છમાં 2001માં જે ભૂકંપ આવ્યો હતો તેના પરિણામે હજારો લોકો ઘર વિહોણા થયા હતા.
જેમનાં મકાન પડી ગયાં હતાં, તેમને રાજ્ય સરકાર અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા મકાન ફાળવવામાં આવ્યા હતાં. પરંતુ જે લોકો આ મકાનમાં રહે છે તેમની પાસે કોઈ માલિકીને લગતા કે કબ્જાને લગતા કોઈ પુરાવા નથી. માટે રાજ્ય સરકારે નિણર્ય કર્યો છે કે 20હજાર જેટલા પરિવારોને જે મકાન ફાળવવામાં આવ્યા હતા તેમને માલિકી હક આપી દેવામાં આવશે. હાલ 6 હજાર પરિવારની સનદ તૈયાર છે, બાકીના 17 હજાર મકાનના દસ્તાવેજો તૈયાર થઈ રહ્યા હોવાથી મહિનામાં માલિક હક સોંપાય તેવી શક્યતા છે.