Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામ્યુકોમાં નીચા ભાવના ટેન્ડર કૌભાંડની તપાસ કરવા વિપક્ષી કોર્પોરેટરની માગ

જામ્યુકોમાં નીચા ભાવના ટેન્ડર કૌભાંડની તપાસ કરવા વિપક્ષી કોર્પોરેટરની માગ

ડીએમસીને આવેદન પાઠવી અધિકારી-કોન્ટ્રાકટર વચ્ચે સાંઠગાંઠનો આક્ષેપ : તપાસ કરવામાં નહીં આવે તો એસીબીમાં કરાશે રજુઆત

- Advertisement -

હાલમાં સિમેન્ટ, લોખંડ, કાંકરી જેવા બાંધકામ મટિરિયલના ભાવમાં ખૂબ જ મોટો વધારો થયો હોવા છતાં જામ્યુકોના કોન્ટ્રાકટરો 40 થી 50 ટકા જેટલા નીચા ભાવે કામ કરીને ભ્રષ્ટાચાર આચરતા હોવાની રજૂઆત વોર્ડ નં. 1ના મહિલા કોર્પોરેટર સમજુબેન પારીયા દ્વારા કરવામાં આવી છે. જેમાં અધિકારી અને કોન્ટ્રાકટરોની મિલિ ભગતનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. ભ્રષ્ટાચારની આ પધ્ધતિની તપાસ કરાવી કોન્ટ્રાકટરના મંજૂર થયેલા તમામ બિલોના ઓડિટ કરાવવા માગણી કરવામાં આવી છે. અન્યથા આ અંગે લાંચ રૂશ્વત વિરોધી કચેરીમાં ફરિયાદ કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.

- Advertisement -

જામનગરના વોર્ડ નં. 1ના વિપક્ષી મહિલા કોર્પોરેટર સમજૂબેન પારીયા તથા અન્ય વિપક્ષી કોર્પોરેટરોએ આજે જામ્યુકોમાં ચાલતાં ભ્રષ્ટાચાર અંગે ડીએમસીને આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમજ ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહી કરવા કચેરી બહાર સૂત્રોચ્ચાર કર્યા હતાં. આવેદનપત્રમાં જણાવ્યાનુસાર જામ્યુકોની જુદી જુદી શાખાઓ જેવી કે, ભૂગર્ભ શાખા, સોલિડ વેસ્ટ, વોટર વર્કસ, સિવિલ વગેરેમાં કોન્ટ્રાકટર અને અધિકારીઓની મિલિભગતથી મોટાપાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે. સિમેન્ટ રોડ સહિતના કામો માટે ટેન્ડરની અંદાજિત કિંમત કરતાં 40 થી 50 ટકા નીચા ભાવે કોન્ટ્રાકટરો કામ કરી રહ્યાં છે. ત્યારે તેમણે પ્રશ્ર્ન ઉઠાવ્યો છે કે, રો મટિરિયલ્સના ભાવ જોતાં આટલા નીચા ભાવે કામ કઇ રીતે શકય બને, માત્ર કોન્ટ્રાકટ મેળવવાની લ્હાયમાં કોન્ટ્રાકટરો નીચા ભાવ ભરીને બાદમાં લોટ પાણીને લાકડા જેવું કામ કરે છે. જેને જામ્યુકોના અધિકારીઓ છાવરે છે. પરિણામે બંનેની મિલિ ભગતથી ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે. સરવાળે નુકસાન શહેરની પ્રજાનું અને જામ્યુકોની તિજોરીને થાય છે. જુદી જુદી શાખાઓમાં ચાલતા ભષ્ટાચારના આધાર-પુરાવા રજૂ કરવા પણ તેમણે તૈયારી દર્શાવી છે.

- Advertisement -

આ તમામ ભષ્ટાચાર અંગે તાકિદે તપાસ કરવા તેમજ કોન્ટ્રાકટરોને થયેલા ચૂકવણાનું ઓડિટ કરવા માગણી કરવામાં આવી છે. જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ભ્રષ્ટાચારની તમામ વિગતો એસીબીને સુપ્રત કરવામાં આવશે અને તપાસ કરવા રજૂઆત કરવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular