કોરોના મહામારીના જનક ગણાતા ચીનમાં કોરોના ફરી કહેર મચાવી રહ્યો છે. કોરોનાના સતત વધતા જતાં સંક્રમણને કારણે ચીનના સૌથી મોટા શહેર શાંઘાઇ અને બિજિંગમાં હાહાકાર મચી ગયો છે. ચીનની સરકાર દ્વારા લોકડાઉન લાદી લોકોને ઘરમાં કેદ કરી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં નિયંત્રણોને વધુ સખ્ત બનાવી સામાનની ડિલેવરી લેવા ઉપર પણ રોક લગાવી દેવામાં આવી છે. જેને કારણે લોકોમાં આક્રોશ ફેલાયો છે. એટલું જ નહીં ચીનની આ પ્રકારની નીતિને કારણે ઝીરો કોવિડ પોલિસી ઉપર પણ સવાલ ઉઠવા લાગ્યા છે. શાંઘાઇમાં છેલ્લા 6 અઠવાડિયાથી સતત લોકડાઉન છે. ગઇકાલે ચીનમાં કોરોનાના નવા 3475 કેસ સામે આવ્યા છે. જે પૈકી 357 લોકોમાં કોરોનાના લક્ષણ જોવા મળ્યા છે. જયારે 3118 લોકો એવા છે જેમાં કોરોનાના કોઇ લક્ષણ જોવા મળ્યા નથી. આગળના દિવસે ચીનમાં 4333 નવા કેસ સામે આવ્યા છે. ચીનમાં અત્યાર સુધીમાં 5191 લોકોના કોરોનાથી મોત થઇ ચૂકયા છે.