ગુજરાતની જાણીતી લોકગાયિકા કાજલ મહેરિયા પર હુમલો થયો હોવાનો બનાવ સામે આવ્યો છે. કેટલાક શખ્સોએ લુંટના ઈરાદે કાજલ ઉપર હુમલો કરી સોનાના ચેનની લુંટ ચલાવી હતી. પાટણના ધારપુર ગામ ખાતે સંગીતના એક કાર્યક્રમથી કાજલ પરત જઇ રહી હતી તે દરમિયાન આ ઘટના બની હતી. જેમાં કાજલ મહેરીયાને સામાન્ય ઈજાઓ પહોચતા સારવાર માટે ખસેડાઈ હતી. આ સમગ્ર ઘટના અંગે લોકગાયિકાએ ફરિયાદ નોંધાવી છે.
કાજલ મહેરિયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે જૂની અદાવતનો ખાર રાખીને દીગડી ગામના રામુ રબારીએ અન્ય ચાર શખ્સો સાથે મળીને તેના પર હુમલો કર્યો હતો. સોમવારે મોડી રાત્રે ગુજરાતી ગાયક કાજલ મહેરિયા પોતાનો પાટણનો કાર્યક્રમ પૂર્ણ કરીને પરત પોતાના ઘર તરફ ફરી રહી હતી ત્યારે સિદ્ધપુર ચાર રસ્તા પર આ ઘટના બની હતી કે જેમાં અજાણ્યા શખ્સોએ કાર પર હુમલો કર્યો હતો. અને કારમાં પણ નુકશાન થયું હતું. ફરિયાદના આધારે પોલીસ દ્વારા હુમલાખોરોને પકડી પાડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અંતે ઉલ્લેખનીય છે કે વર્ષ 2020 માં સપ્ટેમ્બર મહિનામાં કાજલ મહેરિયા પર આંતરિક ઝઘડામાં હુમલો થયો હતો કાજલ મહેરિયા ઈવેન્ટ ઓર્ગેનાઇઝર બાબખાનના ઘરે સામાજિક કામ અર્થે ગયા હતા. ત્યારે ઇવેન્ટ ઓર્ગેનાઇઝરના ઘરે ગયેલી સિંગરને બાબા ખાનના વિરોધીઓએ લાફો ઝીંકી દીધો હતો. ત્યારે ગઈકાલે રાત્રે બીજી વખત તેણી પર હુમલો થયાની ઘટના સામે આવી છે.