ખંભાળિયા તાલુકાના કુબેર વિસોત્રી ગામે વાડી વિસ્તારના રહેતા રીટાબેન કાંતિભાઈ કછડીયાનો દસ વર્ષીય પુત્ર અંકીત ગત તારીખ 1 ના રોજ પોતાના ઘરે રમતો હતો, ત્યારે આ મકાનમાં રહેલી કપડા સુકવવાની દોરી ઉપર બાંધેલી ચુંદડી નજીક પહોંચતા રમતા રમતા આ ચુંદડી અંકિતના ગળામાં વીંટળાઈ ગઈ હતી. જેના કારણે તેને ગળાફાંસો લાગી જતા આ બાળકે અંતિમ શ્વાસ લીધા હતા. આ બનાવની જાણ રીટાબેન કછડીયાએ સલાયા મરીન પોલીસને કરતા પોલીસે અકસ્માત મૃત્યુ અંગેની નોંધ કરી જરૂરી કાર્યવાહી કરી હતી.
અન્ય એક બનાવમાં ખંભાળિયાના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા ધર્મેન્દ્ર હરિલાલભાઈ જોશી નામના 55 બ્રાહ્મણ આધેડની 22 વર્ષીય અપરિણીત પુત્રી હેમાંગી કે જેની સગાઇ થઇ ચુકી હતી, તેણીને ભાવિ પતિ સાથે કોઈ બાબતે મનદુ:ખ બાદ ઝઘડો થતાં આ બનાવથી વ્યથિત થયેલી હેમાંગી જોશીએ ગત તારીખ 6 ના રોજ પોતાના ઘરે ઘઉંમાં નાખવાનો ઝેરી પાવડર પી લીધો હતો. જેથી તેણીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના પિતા ધર્મેન્દ્રભાઈ હરિલાલ જોશીએ અહીંની પોલીસને કરી છે.
ખંભાળિયા તાલુકાના લાલપરડા ગામે રહેતા જેસાભાઈ આલાભાઈ કદાવલાના ધર્મપત્ની કડવીબેનએ શનિવારે બપોરના સમયે કોઈ અકળ કારણોસર પોતાને હાથે ગળાફાંસો ખાઇ લેતા તેણીનો નિષ્પ્રાણ દેહ સાંપડ્યો હતો. આ બનાવ અંગે જેસાભાઈ કદાવલાએ ખંભાળિયા પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.
ખંભાળિયા તાલુકાના ભરાણા ગામે રહેતા પ્રદિપસિંહ સરદારસંગ જાડેજા નામના 35 વર્ષના યુવાન પાસે હાલ કોઈ કામ ધંધો ન હોવાથી તથા તેમના માતા બીમાર રહેતા હોવાથી આ બાબતે તેમને મનમાં લાગી આવતા નાસીપાસ થયેલી હાલતમાં શનિવારે તેમણે પોતાના ઘરની ઓસરીમાં ગળાફાંસોને આપઘાત કરી લીધો હોવાનું બહાર આવ્યું છે. આ બનાવ અંગે મૃતકના ભાઈ નવસંગ સરદારસંગ જાડેજાએ વાડીનાર મરીન પોલીસને જાણ કરી છે.
મીઠાપુર તાબેના આરંભડા ગામે રહેતા સાજીદ કાસમભાઈ સંઘાર નામના 22 વર્ષના મુસ્લિમ યુવાને ગઈકાલે રવિવારે કોઈ અગમ્ય કારણોસર પોતાના રહેણાંક મકાનમાં છતના પિઢીયામાં આવેલા હુકમાં દોરી વડે ગળાફાસો ખાઈ લેતા તેનો નિષ્પ્રાણ દેહ સાંપડ્યો હતો. આ બનાવ અંગે મૃતકના પિતા કાસમભાઈ હારુનભાઈ સંઘારએ મીઠાપુર પોલીસને જાણ કરી છે.
કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે રહેતા સુરેશભાઈ સોમાભાઈ હાથીયા નામના 30 વર્ષના યુવાને કોઈ અકળ કારણોસર આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની જાણ મૃતકના પિતા સોમાભાઈ જેઠાભાઈ હાથીયાએ કલ્યાણપુર પોલીસને કરતા પોલીસે જરૂરી નોંધ કરી, આગળની તપાસ હાથ ધરી છે.