થોડા દિવસોની રાહત બાદ ગુજરાત સહિત પશ્ચિમ ભારતમાં ફરી એકવાર ભીષણ ગરમી (હિટવેવ)ની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બીજી તરફ દેશના પૂર્વ કાંઠે તબાહી મચાવવા માટે આસની વાવાઝોડું તૈયાર છે. આમ દેશમાં મોટાભાગના વિસ્તારમાં મોસમનો બેવડો માર પડી રહ્યો છે.
બંગાળની ખાડીમાં આકાર પામેલાં આસની વાવાઝોડાને પગલે પશ્ર્ચિમ ભારતમાં હિટવેવની સ્થિતિ નિર્માણ પામી છે. ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, વિદર્ભ સહિતના પશ્ચિમી ક્ષેત્રોમાં ફરી એકવાર ગરમ લૂના થપેડા ફૂંકાવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. હિટવેવની આ સ્થિતિ આગામી એક સપ્તાહ સુધી રહેવાની શકયતા રહેલી છે. પરિણામે ફરી એક વખત ગુજરાતના અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો 45 ડિગ્રી નજીક પહોંચવાની શકયતા છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
બીજી તરફ બંગાળની ખાડીમાં સીઝનનું પહેલું વાવાઝોડું આસની ધીમે-ધીમે વધુ તીવ્ર બની ગયું છે. આગામી 24 કલાકમાં તે ભયાનક ચક્રવાતમાં ફેરવાઇ જશે. આવતીકાલે આ વાવાઝોડું ઓડિશા અને પશ્ર્ચિમ બંગાળના કાંઠાને હિટ કરે અને આ વિસ્તારમાં ભારે વરસાદ સાથે તબાહી મચાવે તેવી દહેશત ઉભી થઇ છે. ચક્રવાતને પહોંચી વળવા માટે કાંઠાળ વિસ્તારોમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. જયારે કંટ્રોલ રૂમ પણ ખોલવામાં આવ્યા છે. એનડીઆરએફ અને નેવીને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. ઓડિશા અને પશ્ર્ચિમ બંગાળના કાંઠાળ વિસ્તારમાં ભારે વરસાદની શકયતા પણ દર્શાવવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેમનો મેદનાપુર જિલ્લાનો કાર્યક્રમ મોકૂફ રાખ્યો છે. હવામાન વિભાગ દ્વારા વાવાઝોડા પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.