જામનગર જિલ્લામાં હત્યાના પ્રયાસ, લૂંટ, ફાયરીંગ અને જમીન પચાવી પાડવાના દસથી વધુ ગુન્હાઓ આચરેલા ત્રણ શખ્સો વિરૂદ્ધ પાસાની દરખાસ્ત મંજૂર થતાં એલસીબીની ટીમ દ્વારા ધરપકડ કરી સુરત અને વડોદરાની જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેર અને જીલ્લામાં હત્યાનો પ્રયાસ, લૂંટ, ફાયરીંગ, હથિયાર અને જમીન પચાવી પાડવા સહિતના ગુન્હામાં સંડોવાયેલા શખ્સો વિરુદ્ધ જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી એલસીબી ઇન્ચાર્જ પીઆઇ કે.કે ગોહિલ તથા સ્ટાફ દ્વારા મસિતિયાના હાજી હમીર ખફી સામે હત્યાનો પ્રયાસ, મારામારી, લૂંટ, હથિયાર રાખવા, ફાયરીંગ સહિતના ૧૧ થી વધુ અને હાપા ખારીના રાજશી આલા ચારણ વિરૂદ્ધ હત્યાનો પ્રયાસ, લૂંટ, જમીન પચાવી પાડવી સહિતના ૧૭ ગુન્હા તથા જામનગરના શંકર ટેકરીના શિવરાજસિંહ ઉર્ફે શિવો નરેન્દ્રસિંહ જાડેજા વિરૂદ્ધ હત્યાનો પ્રયાસ, લૂંટ, મારામારી, હથિયાર રાખવા સહિતના ૧૦ ગુન્હા નોંધાયા હોય જેથી ત્રણ શખ્સો સામે પાસાની દરખાસ્ત કરી હતી.
એલસીબી દ્વારા કરાયેલી પાસાની દરખાસ્ત કલેક્ટર ડો સૌરભ પારધીએ મંજૂર કરતાં એલસીબીની ટીમે હાજી હમીર ખફી અને રાજશી આલા ચારણ નામના બે શખ્સોને સુરત લાજપોરની મધ્યસ્થ જેલ અને શિવરાજસિંહ ઉર્ફે શીવો નરેન્દ્રસિંહ જાડેજાની ધરપકડ કરી વડોદરાની મધ્યસ્થ જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા