કચ્છ-માલવણ હાઈવે ઉપર હરીપરના પાટીયા પાસે 2 ટેન્કર વચ્ચે અકસ્માત થવાના કારણે ભારે મોટી દુર્ઘટના બની છે.
અકસ્માત બાદ ટેન્કરમાં આગ ફાટી નીકળી હતી અને ભારે દોડધામ મચી ગઈ હતી. તે સાથે જ ત્યાંથી પસાર થઈ રહેલા અન્ય 5 વાહનો પણ તેની હડફેટે આવ્યા હતા અને તેમાં પણ આગ લાગી ગઈ હતી. આમ કુલ 6 વાહનોમાં આગ લાગવાના કારણે ભયનો માહોલ સર્જાયો હતો.
દુર્ઘટના અંગેની જાણ થયા બાદ ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, હળવદના ફાયર ફાઈટર્સે ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી હતી. અકસ્માતને પગલે બંને તરફ આશરે 5 કિમી લાંબી વાહનોની લાઈન લાગી હતી. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હોવાની આશંકા જણાઈ રહી છે. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે સ્થિતિને નિયંત્રણમાં લેવા સાથે વાહન વ્યવહારને પૂર્વવત કરવા માટે તજવીજ હાથ ધરી હતી.