જામનગરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા પરિવાર દ્વારા ચાલી રહેલી ભાગવત સપ્તાહના છઠ્ઠા દિવસના રાત્રી કાર્યક્રમમાં શ્રીનાથજીના ભજનોની ઝાંખીના કાર્યક્રમની સાથે સાથે ભગવાન શિવજીને પણ યાદ કરવામાં આવ્યા હતા અને મંચ પરથી ‘નગર મે જોગી આયા’ ભજન રજૂ કરાયું હતું જેમાં જામનગરમેં જોગી આયા ના શબ્દો સાથે ભજનનો પ્રારંભ કરાયો હતો અને તેની સાથેજ કથામંડપમાં શિવજીની વેશભૂષા માં પાત્ર ભજવનાર કલાકારે પ્રવેશ કર્યો હતો, ત્યારે સૌ કોઈ શ્રોતાગણે તેઓને નમન કર્યા હતા, અને તાળીઓ પાડીને ભજન ગાયું હતું. ત્યારબાદ ભગવાન શિવજી મંચ પર પહોંચ્યા હતા. જ્યાં માતા જશોદા બાળકૃષ્ણને રમાડી રહ્યા હતા અને મંચ પર બાળ કૃષ્ણના દર્શનની શિવજી દ્વારા વિનંતી કરાઇ હતી. અને બાળ કૃષ્ણના દર્શનની સાથે મંચ પરથી ભગવાન શિવજી અને બાળ કૃષ્ણનું મિલન કરાવાયું હતું. જેની નૃત્ય સાથેની સમગ્ર કૃતિ નિહાળીને શ્રોતાગણ ભાવવિભોર બન્યા હતા.
ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રીઓ ધારાસભ્યોે વગેરે પણ કથા શ્રવણ માટે પ્રતિદિન ઉપસ્થિત રહે છે. દરમિયાન ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ, ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ, ધારી વિસ્તારના ધારાસભ્ય જે.વી. કાકડિયા, પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિકભાઈ પટેલ, જામજોધપુરના ધારાસભ્ય ચિરાગભાઈ કાલરીયા, ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી જશાભાઇ બારડ, પૂર્વ મંત્રી ડો. રણમલભાઇ વારોતરીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા, જેઓનું પણ યજમાન પરિવાર દ્વારા સ્વાગત કરાયું હતું, તેમજ પૂજ્ય ભાઈશ્રીના આશીર્વાદ મેળવ્યા હતા. જામનગરના અને રાજકોટથી પ્રસિદ્ધ થતા આજકાલ દૈનિકના તંત્રી ચંદ્રેશભાઈ જેઠાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેઓને પૂજય ભાઇશ્રીએ આશિર્વચન પાઠવ્યા હતા તેમજ યજમાન પરિવાર દ્વારા ખેસ પહેરાવી સ્મૃતિભેટ આપી સન્માન કરાયું હતું.
તે જ રીતે ખબર ગુજરાત દૈનિકના વિપુલભાઈ કોટક, નોબત દૈનિકના ચેતનભાઇ માધવાણી, જામનગર શહેર પૂર્વ ભાજપા અધ્યક્ષ નિલેશભાઈ ઉદાણી, પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ પણ ભાઈશ્રીના આશીર્વાદ મેળવ્યા પછી યજમાન પરિવાર દ્વારા સન્માન કરાયું હતું. જામનગરની ડિસ્ટ્રિક્ટ બેંકના વાઇસ ચેરમેન રાજુભાઇ વાદી, પ્રદેશ યુવા ભાજપના ઉપપ્રમુખ ઉપેન્દ્રસિંહ ગોહિલ સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતાં તેઓને પણ સન્માનિત કરાયા હતા.