જામનગર જિલ્લામાં હોમગાર્ડમાં ફરજ બજાવતાં બે સભ્યોએ ભરતી માટે બોગસ પ્રમાણપત્ર રજૂ કર્યાનું તપાસમાં ખુલ્તાં આ બંન્ને હોમગાર્ડના સભ્યોને જિલ્લા કમાન્ડન્ટ દ્વારા બરતરફ કરી દળમાંથી છુટાં કરવાનો આદેશ કર્યો હતો.
આ અંગેની વિગત મુજબ જામનગર જિલ્લામાં થોડા સમય અગાઉ જીઆઇએસએફમાં એકસ આર્મીમેન, રિટાયર્ડ હોમગાર્ડની ભરતી અનુસંધાને અમુક ઉમેદવારો દ્વારા હોમગાર્ડના બોગસ પ્રમાણપત્રો રજૂ કરવામાં આવ્યા હોવાની મળેલી ફરીયાદના આધારે જિલ્લા કમાન્ડન્ટ એસ.જે.ભીંડી દ્વારા આ બોગસ પ્રમાણપત્રની નિપક્ષ તપાસ માટે સ્ટાફ ઓફિસર લીગલ ગીરીશ સરવૈયાને સોંપવામાં આવી હતી. આ તપાસ દરમ્યાન અમુક ઉમેદવારોેએ હોમગાર્ડઝમાં ન હોવા છતાં હોમગાર્ડઝના બોગસ પ્રમાણપત્રો બનાવ્યા હોવાનું ખુલ્યું હતું. ઉપરાંત આ બોગસ પ્રમાણપત્રો બનાવનાર પૈકીના હરપાલસિંહ વિક્રમસિંહ જાડેજા અને ઉર્મિલાબેન જતીનભાઇ શુકલ નામના બે હોમગાર્ડઝ સભ્યોએ હોમગાર્ડમાં ફરજ બજાવતાં હોવા છતાં બોગસ પ્રમાપત્રો બનાવ્યા હોવાનું બહાર આવ્યું હતું.
આ નિપક્ષ તપાસનો ધગધગતો રિપોર્ટ ગીરીશ સરવૈયા દ્વારા જિલ્લા કમાન્ડન્ટને સોંપવામાં આવ્યો હતો. તેમજ આ બંન્ને સભ્યોને આખરી તક આપવા છતાં બોગસ પ્રમાણપત્રો સંદર્ભે યોગ્ય ખુલ્લાસો કરવામાં આવ્યો ન હતો. જેથી જિલ્લા કમાન્ડન્ટ એસ.જે.ભીંડી દ્વારા બંન્ને સભ્યોને દળમાંથી બરતરફ કરવાનો હુકમ કરી છુટા કરવામાં આવ્યા હતાં.