હર હર મહાદેવનાં નારાથી સંપૂર્ણ કેદારનગરી તે સમયે ગૂંજી ઉઠી હતી. આજે સવારે 6:00 વાગ્યે 25 મિનિટે બાબા કેદાર ધામનાં કપાટ શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવ્યાં છે. આ સમયે ઉત્તરાખંડનાં મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી હાજર હતાં અને તેમણે પોતાના સોશિયલ મીડિયા પર કેદાર ધામનાં કપાટ ખુલ્યાની સૂચના જાહેર કરી હતી. ધામ ખુલ્યા બાદથી જ પંરપરા અનુસાર ધામની પૂજા અર્ચના શરૂ કરવામાં આવી છે. આ સમયે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કેદાર ધામમાં દર્શન માટે પહોંચ્યા છે.
દેશ-વિદેશમાંથી હજારો સંખ્યામાં શ્રદ્ધાળુઓ કેદારનાથ ધામમાં પહોંચ્યા છે. બાબાના કપાટ ખુલતા પહેલા જ ઠંડી હોવા છતાં ગુરૂવારે મોડી રાતથી ભક્તોની ભીડ જોવી મળી હતી. સવારે સરસ્વતી નદી સુધી ભક્તોની ભીડ જોવા મળી હતી. બાબા કેદારના દર્શન માટે ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો હતો અને લોકોમાં સેલ્ફી અને ફોટા પડાવવાની સ્પર્ધા પણ જોવા મળી હતી. અનેક લોકો પોતાના પરિવારના સભ્યોને ફોન દ્વારા બાબાના દર્શન કરાવતા જોવા મળ્યા હતા.