દેશના કેટલાક એવા રાજ્યો છે જ્યાં અર્થતંત્રમાં વ્યાપાર અને ઉદ્યોગનો હિસ્સો મોટો છે. ગુજરાત તેમાં સૌથી આગળ છે. ગુજરાતમાં છેલ્લા સાત દાયકાથી ફાર્મા, કેમિકલ્સ, ક્રુડ ઓઈલ રીફાઈનીંગ, પેટ્રોકેમિકલ્સ, ટેક્સટાઈલ્સ, કેમિકલ્સ જેવા ઉદ્યોગો સ્થપાયેલા છે. આ ઉપરાંત, દેશમાં સૌથી લાંબો દરીયાકીનારો ઉપલબ્ધ હોવાથી, દેશના અગ્રિમ હરોળના પોર્ટ અહી કાર્યરત હોવાથી આયાત અને નિકાસમાં રાજ્ય મોખરાનું સ્થાન ધરાવે છે.
કેન્દ્ર સરકારના આંકડાઓ અનુસાર નાણાકીય વર્ષ 2021-22માં દેશમાંથી કુલ 400 અબજ ડોલરની નિકાસ થઇ હતી. દેશની નિકાસમાં આ આંકડો સૌથી વધુ છે. આની સાથે એ પણ જાણવું જરૂરી છે કે દેશની કુલ નિકાસમાં 27 ટકા એટલે કે દર રૂ.100ની નિકાસનો ચોથા કરતા પણ વધારે ભાગ ગુજરાત રાજ્માંથી વિશ્વના અન્ય ભાગોમાં પહોંચે છે. જાન્યુઆરી 2022ના ઉપલબ્ધ આંકડા અનુસાર 9.63 અબજ ડોલરની નિકાસ સાથે ગુજરાત નિકાસ ક્ષેત્રે દેશમાં અવ્વલ ક્રમ ઉપર હતું.
આવી જ રીતે, દેશની નિકાસમાં સિંહફાળો આપતા જીલ્લાઓમાં પણ ગુજરાત આગળ પડતું સ્થાન ધરાવે છે. રૂ.1000 કરોડથી વધારાની નિકાસ ધરાવતા દેશના ટોચના 50 જીલ્લાઓમાં ગુજરાતના 10 જીલ્લાઓનો સમાવેશ થાય છે અને તેમાં પ્રથમ ક્રમે દેશની ક્રુડ ઓઈલ રીફાઇનિંગનું સૌથી મોટું કેન્દ્ર જામનગર આવે છે. ફેબ્રુઆરીમાં એકલા જામનગર જીલ્લામાંથી રૂ.38,092.23 કરોડની નિકાસ થઇ હતી. આ પછીના ક્રમે દેશનું ટેક્સટાઈલ્સ અને ડાયમંડ પોલિશિંગ હબ સુરત આવે છે જય્રથી એ માસમાં રૂ.11,641.99 કરોડની નિકાસ થઇ હતી. અહી નોંધવું જરૂરી છે કે દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈ કરતા આ બન્ને જીલ્લાઓ આગળ છે.મુંબઈદેશમાં ત્રીજા ક્રમે આવે છે. દેશની સૌથી વધુ નિકાસમાં ક્રુડ ઓઈલ રીફાઇન્ડ પ્રોડક્ટ જેવી કે પેટ્રોલ, ડિઝલ અને અન્ય ઇંધણ (કુલ નિકાસમાં 13 ટકા હિસ્સો), કેમિકલ્સ(કુલ નિકાસમાં 5.16 ટકા હિસ્સો), ડાયમંડ અને અન્ય કિંમતી મોતીઓ (9.26 ટકા હિસ્સો), ફાર્મા 4.55 ટકા હિસ્સો) જેવી ચીજોમાં ગુજરાત ઉત્પાદનનું મોટું હબ હોવાથી રાજ્યનો દેશની નિકાસમાં મોટો ફાળો છે એમ, ડીરેક્ટર જનરલ ઓફ કોમર્શીયલ ઈન્ટેલીજન્સ એન્ડ સ્ટેટીસ્ટીકસનું એનાલિસીસ જણાવે છે.