જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલ શ્રીમદ્ ભાગવદ સપ્તાહમાં ગઈકાલે અનેક રાજકીય આગેવાનો ઉપરાંત શહેરીજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. ધારાસભ્ય હકુભાના પરિવાર આયોજિત આ શ્રીમદ્ ભાગવદ સપ્તાહમાં પ.પૂ. રમેશભાઇ ઓઝાએ જણાવ્યું હતું કે, ધર્મનો ઉપયોગ પરમાર્થ માટે થવો જોઈએ, કારણકે ધર્મ જોડવાનું કામ કરે છે. ધર્મક્ષેત્ર રાજકીય રોટલા શેકવાનું સાધન નથી, ધાર્મિક બેવકૂફી સૌથી ખતરનાક છે. સત્તાધિશોને આ વાત સમજાશે ત્યારેજ પ્રજા કલ્યાણના ખરાં કાર્યો થઈ શકશે.
જામનગરની શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞના ચતુર્થી દિને કથાવસ્તુની પીઠીકા બાંધતાં પ્રખર ભાગવતાચાર્ય પૂજ્ય રમેશભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે, ધર્મગ્રંથો – ધર્મસ્થાનો તેમજ ધર્મગુરૂઓનો આદર નહીં થાય તો અંતે નુકસાન સમાજને જ થશે. વ્યાસપીઠ ચિરંજીવી છે. તેનો મહિમા ટકાવી રાખવા માટે આપણો તેમની સાથેનો વ્યવહાર ગરિમાપૂર્ણ હોવો જોઈએ.
ભાગવતજીમાં આવતી ચક્રવર્તી સમ્રાટ રાજા પરીક્ષિત અને ગુરુ પરમહંસ શૂકદેવજી મહારાજ વચ્ચેના સંવાદોના દ્રષ્ટાંત થકી કથાકારે જણાવ્યું હતું કે, રાજપુરૂષ ધર્મનિષ્ઠ હોવો જોઈએ. જે પોતાના મજબૂત ચારિત્ર્યના આધારે સબળ નેતૃત્વ તો કરે, સાથોસાથ સમાજને નિશ્ર્ચિત કલ્યાણકારી દિશા તરફ પણ દોરી જાય.
હાલના સમયમાં મંદિર અને જ્ઞાનયજ્ઞ તરફ લોકોની ભીડ વધી છે, પરંતુ સત્ય પર ભરોસો પણ અકબંધ રાખવો પડશે. ભાગવત કથા ધન કે કીર્તિ કમાવવા માટે નથી, ચારિત્ર્ય નિર્માણ માટે છે અને આ એક અંતિમ આશરો જ બચવા પામ્યો છે. રાજનીતિજ્ઞો, ધર્માચાર્યો તેમજ સમાજના શ્રેષ્ઠિઓ- સુકાનીઓ એ શહેરની મધ્યમાં આવેલા ઊંચા ઘંટાઘર (ટાવર) જેવા છે. જો તેઓ જ ખોટો સમય બતાવશે, તો આખરે સમગ્ર સમાજ દિશાહીન થઈ જશે.
રશિયામાં આવેલી લોકક્રાંતિનો પ્રસંગ વર્ણવી પૂજ્ય ભાઈશ્રીએ વિશેષમાં ઉચ્ચાર્યું હતું કે, રશિયાની ધર્મસત્તાએ જો રાજસત્તાને ચેતવી હોત, દોરવણી આપી હોત, તો તેનું પતન થાત નહીં.
દલિતો- પીડિતો – આદિજાતી તેમજ ખેડૂતોના નામે રાજનીતિ કરનારાઓ તે વર્ગના ઉદ્ધાર માટે કોઈ નક્કર કાર્ય કરતા નથી. સમાજ ઉત્કર્ષ માટે હાથ ધરાતા કોઈપણ કાર્ય આવકારદાયક ગણાય. કૂવા-વાવ-તળાવ નિર્માણ પણ સમર્થનિય છે. એક સંત તો માટીની ફળદ્રુપતા વધારવાના સમર્થનમાં દેશાટન કરી રહ્યા છે.
મંદિરનિર્માણ એ જરુર પુણ્ય કાર્ય ગણાય, પરંતુ સાથે મંદિર અને કથાશ્રવણ તરફ એકત્રિત થતી ભીડને સાચી દિશા નિર્દેશનનું કામ ધર્માચાર્યો – કથાકારોનું છે. કથા માત્ર ઉન્માદ જગાવવા માટે નથી હોતી કે મનોરંજન માટે નથી હોતી. તે સમાજમાં સાત્વિક પરિવર્તન લાવવા માટે હોય છે. વ્યાસપીઠને સમાજની ચિંતા છે એટલે તે માતૃત્વભાવથી કડવી ઔષધિ પીવડાવતાં પણ અચકાતી નથી.
ભગવાન પરશુરામ એ અવતારી પુરુષ હતા. તેમને માત્ર બ્રાહ્મણ સમાજના ઇષ્ટદેવ જ ગણવા કે પૃથ્વીને નક્ષત્રિય કરવાના નિર્ણયની સોચ સમાન ગણીશું તો તે અન્યાયી હશે.
પરશુરામના હાથમાં રહેલા સંહારક શસ્ત્ર ‘પરશુ’ ને પણ ત્રીજી આંખ હતી. પરશુરામજી આવેશ અવતારી, તપસ્વી, ધર્મનિષ્ઠ અને પ્રખર ક્રાંતિકારી હતા. ક્ષત્રિયોના કાળ તરીકે લેખાતા ભગવાન પરશુરામ તો અધર્મી શાસકોનો નાશ કરવા તત્પર હતા. રાજા કે સત્તાધીશોને પણ ધર્મદંડનો ભય હોવો જોઈએ. દંતાલી સ્થિત આશ્રમના ક્રાંતિકારી સંત સચ્ચિદાનંદ સ્વામીએ તો બ્રાહ્મણોને જણાવ્યું છે કે, દુરાચારી સત્તાના પરિવર્તનનું બીડું ઝડપનાર ચાણક્યને પણ પૂજવા જોઈએ.
જે અશાંત હોય છે તે જ આતંકવાદી બને છે. તેવું જણાવતાં પૂજ્ય ભાઈશ્રીએ કહ્યું હતું, કે આતંકવાદ સર્જે તે ધર્મ જ ના હોય લાગે છે કે આતંકવાદીઓ ધર્મને સમજયા જ નથી, હિન્દુ ધર્મમાં ભગવાનના અસંખ્ય અવતાર થયા છે, એટલું જ નહીં ભગવદ્ ગીતાજીમાં ભગવાન શ્રીકૃષ્ણએ ખૂદે કહ્યું છે કે જ્યારે જ્યારે અધર્મનું આચરણ ફેલાશે, ત્યારે ત્યારે હું અવતાર ધારણ કરીશ.
હિંદુ ધર્મ જડ નથી. માત્ર ભૌતિકવાદી વિચારધારા જ સમાજમાં આસૂરીવૃત્તિ અને પશુતા જન્માવે છે. ભગવાનના પ્રત્યેક અવતારનું વિશેષ પ્રયોજન રહ્યું છે અને તેમનામાં કાર્યસિદ્ધિનું સામર્થ્ય પણ હોય છે. ઉપરાંત સંતો-સાધુપુરૂષો પણ પરમહિતકારી બની યોગ્ય સમજનું દિશાસૂચન કરતા રહે છે.
ભાગવત કથામાં આજના ચતુર્થદિનના સત્ર સમાપ્તિની આરતીમાં યજમાન પરિવારે નિમંત્રિત મહાનુભાવોની સાથે સંખ્યાબંધ સગર્ભા મહિલાઓને પણ ખાસ આમંત્રિત કરી તેમના હસ્તે આરતી ઊતરાવી હતી. આ પ્રેરણાત્મક પગલું દરેકે વધાવ્યું હતું.
- લોકડાયરાના કાર્યક્રમમાં અનેક મહાનુભાવો મહેમાન બન્યા
જામનગરના પ્રદર્શન મેદાનમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાના પરિવારના યજમાનપદે ચાલી રહેલી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞના ચોથા દિવસે લોક સાહિત્યકાર લાખણશીભાઈ ગઢવી તેમજ લોક સાહિત્યકાર અનુભા ગઢવીનો લોક ડાયરાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં અન્ય મહેમાનોની સાથે ગુજરાત રાજ્યના અનેક ધારાસભ્યો મહેમાન બન્યા હતા. જેઓનું યજમાન પરિવાર દ્વારા સ્વાગત કરાયું હતું. જામનગરના ધારાસભ્ય અને પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા ચાલી રહેલી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં કથામૃતપાન કરાવવા માટે તેમજ લોકડાયરાના રાત્રી કાર્યક્રમો માણવા માટે સમગ્ર ગુજરાત રાજ્યના ધારાસભ્યોને નિમંત્રણ પાઠવાયું છે અને ગુજરાતભરમાંથી અનેક ધારાસભ્યો-સંસદસભ્યો તેમજ અન્ય રાજકીય આગેવાનો, સામાજિક ક્ષેત્રે સંકળાયેલા અગ્રણીઓ, સંતો મહંતો, કથાનું રસપાન કરવા માટે જામનગરના આંગણે આવી રહ્યા છે. જેમાં ગઇરાત્રે ગુજરાત વિધાનસભાના પાંચથી વધુ ધારાસભ્યો રાત્રિ કાર્યક્રમનો લાભ લેવા માટે જામનગર આવી પહોંચ્યા હતા. કચ્છ માંડવીના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, ધોરાજીના ધારાસભ્ય લલીતભાઈ વસોયા, ટંકારાના ધારાસભ્ય લલીતભાઈ કગથરા, તાલાલા ગીરના ધારાસભ્ય ભગાભાઈ બારડ, સાવરકુંડલાના પ્રતાપભાઈ દુધાળા વગેરેનું યજમાન પરિવાર દ્વારા ખેસ પહેરાવી સ્મૃતિ ભેટ આપીને સન્માન કરાયું હતું. એટલુંજ માત્ર નહીં લોક સાહિત્યકાર લાખણશીભાઈ ગઢવી તેમજ અનુભા ગઢવી દ્વારા ચારણી સાહિત્ય તેમજ લોકગીતોની રમઝટ બોલાવાઈ હતી. જે દરમિયાન તેઓ દ્વારા નોટોનો વરસાદ પણ કરાયો હતો. સાથોસાથ સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાંથી અનેક સંતો મહંતોની પણ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ તેમજ લોક ડાયરા ના કાર્યક્રમમાં ઉપસ્થિતિ જોવા મળી રહી છે. જેમાં જુનાગઢ અખાડાના મહાદેવગીરી બાપુ તેમજ રુદ્ર ગીરીબાપુ પણ જામનગર પધાર્યા હતા અને રાત્રી કાર્યક્રમ સાથે જોડાયા હતા. જેઓના યજમાન પરિવાર દ્વારા આશીર્વાદ મેળવીને સન્માન કરાયું હતું. લોકડાયરાના રાત્રિ કાર્યક્રમમાં ભાવનગરના રાજપૂત સમાજના અગ્રણી વાસુદેવ સિંહજી ગોહિલ, ઉપરાંત અનિરુદ્ધસિંહજી જાડેજા (રીબડાવાળા), ગુજરાત પ્રદેશના કોંગ્રેસ અગ્રણી યુસુફભાઈ ખફી, કોંગ્રેસના કોર્પોરેટર ધવલભાઇ નંદા, નોબત દૈનિકના મુખ્ય વ્યવસ્થાપક ચેતનભાઇ માધવાણી સહિતના મહાનુભાવોનું પણ યજમાન પરિવાર દ્વારા સન્માન કરાયું હતું.
- રામ-લક્ષ્મણ-જાનકી અને હનુમાનજીની વેશભૂષામાં કલાકાર આકર્ષણનું કેન્દ્ર બન્યા
જામનગર ના પ્રદર્શન મેદાનમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા પરિવાર દ્વારા ચાલી રહેલી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞના ચતુર્થ દિવસીય ભાગવત કથાના સત્રના અંતે ભગવાન શ્રી રામ-લક્ષ્મણ અને જાનકીની વેશભૂષામાં 3 કલાકારો સુંદર અને આકર્ષક વેશભૂષા સાથે મંચ પર ઉપસ્થિત થયા હતા. જેમની સાથે સાથે ગદા સહિત હનુમાનજી પણ ઉપસ્થિત રહીને ભગવાન શ્રી રામના ચરણમાં બિરાજમાન થયા હતા. જે દ્રશ્ય નિહાળીને અનેક શ્રોતાગણ મંત્રમુગ્ધ થયા હતા. તમામ દેવોનું પાત્ર ભજવનારા જામનગરના કલાકારોએ પૂજ્ય ભાઇજીના આશીર્વાદ મેળવ્યા પછી ભાગવતજીની વ્યાસપીઠની પ્રદક્ષિણા કરી હતી તેમજ અનેક શ્રોતાગણો સાથે તસવીરો પણ લીધી હતી.
શ્રીમદ્ ભાગવત સપ્તાહ દરમિયાન આજે રાત્રે 9 વાગ્યે દાંડિયારાસનું આયોજન કરાયું છે. જેમાં સુપ્રસિધ્ધ લોક ગાયક કિર્તીદાન ગઢવી, કિંજલબેન દવે તથા નિશાબેન બારોટ ઉપસ્થિત રહેશે.