મહામંડલેશ્વર સ્વામી હરિહરાનંદ ભારતીજી નાશિક નજીકથી એક કારમાંથી મળ્યા બાદ તેમને વડોદરા લાવવામાં આવ્યા છે. જ્યાં વડોદરા ક્રાઈમ બ્રાન્ચે સ્વામી હરિહરાનંદની બંધ બારણે પૂછપરછ શરૂ કરી છે. જો હરિહરાનંદ સ્વામી તેમની સાથે વિશ્વાસઘાત થયો હોવાની માહિતી અને પુરાવા આપશે તો પોલીસ આ અંગે વધુ કાર્યવાહી કરશે. હરિહરાનંદ બાપુને તેમના સેવકે જ નાશિકથી શોધી કાઢ્યા હતા.
ભારતી આશ્રમના મહંતસ્વામી હરિહરાનંદ ભારતીજી વડોદરાની કપુરાઈ ચોકડીથી ગુમ થયાની અરજી વાડી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. પોલીસે પણ તેમની શોધખોળ હાથ ધરી હતી, ગુમ થયાની રાત્રે તેઓ કપુરાઈ ચોકડી નજીક આવેલી હોટલ ક્રિષ્ના બહાર લાગેલા ઈઈઝટમાં કેદ થયા હતા. આ મામલે ક્રાઇમ બ્રાન્ચે 5 ટીમ બનાવી હતી તેમજ તેમના અંગે માહિતી આપનારને પણ ઇનામ આપવાની જાહેરાત પણ કરી હતી.પરમેશ્વર ભારતી (રહે. ભારતી આશ્રમ, ગુરડેશ્ર્નર, જિલ્લો નર્મદા)એ વડોદરાના વાડી પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી કે, અમારા આશ્રમના ગાદીપતિ શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર સ્વામી હરિહરાનંદ ભારતીજી મહારાજ ગત તા.30 એપ્રિલ 2022ના રોજ બપોરના આશરે 12 વાગ્યે અમારા આશ્રમ કેવડિયાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલની બાજુમાં આવેલી ડો. રવીન્દ્ર લોઢાની હોસ્પિટલમાં ચેકઅપ કરાવવા માટે નીકળ્યા હતા. ચેકઅપ કરાવી સાંજના આશરે સાડાપાંચ વાગ્યે કેવડિયા આશ્રમ ખાતે આવવા નીકળ્યા હતા.