જામનગર શહેરમાં ભૂ-માફિયા સહિતના એક ડઝનથી વધુ લોકો વિરૂધ્ધ ગુજસીટોક એકટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો અને આ ગુનામાં બિલ્ડર તેમજ નિવૃત્ત પોલીસકર્મી સહિતના લોકોની ધરપકડ કરી જેલ હવાલે કરાયા હતાં. આ પ્રકરણમાં પોલીસે શુક્રવારે બે શખ્સોની માલિકીના જયંત કો-ઓપરેટીવ સોસાયટીમાં આવેલા પ્લોટ સિલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં જયેશ પટેલ સહિતના એક ડઝનથી વધુ લોકો વિરુધ્ધ ગુજસીટોક હેઠળ જામનગરમાં ગુનો નોંધવામાં આવ્યો હતો અને બિલ્ડર, નિવૃત્ત પોલીસ અધિકારી વગેરેની ધરપકડ કરવામાં આવી હતી. જો કે, જયેશ પટેલ વિદેશ નાશી ગયો હોવાથી જામનગર પોલીસને હાથ લાગ્યો ન હતો. દરમિયાન ગુનાખોર ટોળકીની આર્થિક રીતે કમર ભાંગી નાખવા પોલીસે પગલાં ભરવાનું શરૂ કર્યુ છે. જેમાં થોડા મહિના પહેલા રણજીતસાગર રોડ પર આવેલી જયેશ પટેલની મનાતી મિલ્કત સીલ કરવામાં આવ્યા પછી મેડીકલ કેમ્પસ પાછળના જયંત કો.ઓપ.હા.સો.માં કરોડોની બજાર કિંમત ધરાવતા જમીનના બે પ્લોટ જે યશપાલસિંહ અને જશપાલસિંહની માલિકીના પ્લોટ સીલ કરવામાં આવ્યા હતાં. જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી કાર્યવાહી ડીવાયએસપી જે.એસ. ચાવડાના વડપણ હેઠળ એલસીબી સહિતના પોલીસ કાફલાએ કરી હતી.