ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગતપ્રકાશ નડ્ડા આજે એક દિવસની ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા છે. તેઓ આજે દિવસભર જુદા-જુદા કાર્યક્રમોમાં હાજરી આપી મોડી સાંજે દિલ્હી પરત ફરશે. અગાઉ તેઓ ત્રણ દિવસ ગુજરાતમાં રોકાવાના હતા. પરંતુ હવે તેઓ માત્ર આજનો દિવસ જ ગુજરાતમાં રોકાશે. સાબરમતિ આશ્રમની મુલાકાત લીધા બાદ તેઓ સીધા કમલમ પહોંચ્યા હતા. જયાં ઢોલ-નગારા સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કમલમને પુષ્પથી શણગારવામાં આવ્યું છે. જે.પી. નડ્ડાએ અહીં રાજયના તમામ ધારાસભ્યો, સાંસદો અને પક્ષના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક યોજી હતી. આ તમામ નેતાઓ સાથે પક્ષના વરિષ્ઠ નેતા વજુભાઇ વાળા પણ કમલમ પહોંચ્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ બેઠકમાં પહોંચ્યા હતા.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ કહ્યું હતું કે કોઈપણ પાર્ટીએ ભાજપનો સામનો કરવો હોય તો તપસ્યા કરવી પડે. આ સ્વાગત મારું નહિ, ભાજપના વિચારોનું છે. બીજા સંગઠનમાં આ શક્ય નથી કે લોકો વહેલા ઊઠીને આ રીતે સ્વાગત કરવા આવે. કોઈ પાર્ટીએ ભાજપનો સામનો કરવો હોય તો 50-60 વર્ષ તપસ્યા કરવી પડે. 1952થી આજ સુધી ભાજપને ક્યારેય પોતાનું સ્ટેન્ડ બદલવાની જરૂર નથી પડી. તેમણે એરપોર્ટ પર સરદાર પટેલના સ્ટેચ્યૂને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાના ગુજરાત પ્રવાસને કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આજનો સુરત પ્રવાસ રદ થયો છે, આજે તેઓ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટમાં હાજરી આપવાના હતા.
અગાઉ જે.પી. નડ્ડાનું એરપોર્ટ પર પાઘડી પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ભાજપના પ્રદેશ-પ્રમુખ સી.આર. પાટીલે કહ્યું હતું કે ગુજરાતનું સંગઠન વર્ષોથી કામ કરે છે. આજે દિવસભર કાર્યક્રમો રહેશે, જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે સવાર સવારમાં લોકોનો જુસ્સો છે એ આનંદની વાત છે. વિશ્વની સૌથી મોટી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આજે ગુજરાત આવ્યા છે. પાર્ટીને પહોંચી વળવું મુશ્કેલ છે, કારણ કે પાયામાં કાર્યકર્તા છે. સવારે સૌ આવ્યા તેમને વંદન કરૂં છું.