જામનગર શહેરના રડાર રોડ પર રહેતા નિવૃત્ત વૃધ્ધે તેના વિસ્તારમાં અપશબ્દો બોલી પથ્થરમારો કરવાની ના પાડતા ચાર શખ્સોએ તલવાર વડે હુમલો કરતા વૃદ્ધને કાનમાં ઈજા પહોંચાડી ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર આવેલા શિવનગરમાં રહેતાં લવજીભાઈ બેચરભાઇ ધારવીયા (ઉ.વ.62) નામના વૃધ્ધની શેરીમાં ગુરૂવારે રાત્રિના સમયે ભરત ઉર્ફે ચોટલી હર્ષદ સતવારા નામનો શખ્સ અપશબ્દો બોલી પથ્થરમારો કરતો હતો જેથી વૃદ્ધે અપશબ્દો બોલવાની અને પથ્થરમારો કરવાની ના પાડતા ભરત ઉર્ફે ચોટલી અને ત્રણ અજાણ્યા શખ્સો આવીને વૃધ્ધ ઉપર તલવાર વડે હુમલો કરી કાનમાં ગંભીર ઇજા પહોંચાડી હતી. તેમજ અપશબ્દો બોલી પતાવી દેવાની ધમકી આપી હતી.ત્યારબાદ ઈજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણ થતા પીએસઆઈ એસ.એસ.સિસોદીયા તથા સ્ટાફે વૃદ્ધના નિવેદનના આધારે ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.