જામનગર શહેરમાં રહેતાં પ્રૌઢનું વ્યાજે આપેલા પૈસાની વસુલાત માટે અપહરણ કરી ગોંધી રાખી દ્વારકા લઇ જઇ મકાનની ફાઇલ પચાવી પાડયાના પ્રકરણમાં વ્યાજખોરોને દ્વારકા પોલીસે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આઅંગેની વિગત મુજબ જામનગર શહેરમાં હરિયા કોલેજ પાછળ આવેલા નારાયણનગર શેરી નં.2 માં આવેલા શ્રૃતિ પાર્કમાં રહેતાં અરવિંદભાઈ વીરજીભાઈ સંઘાણી (ઉ.વ.56) નામના પટેલ નિવૃત્ત પ્રૌઢે તેમના પત્નીની સારવાર માટે રણજીતસાગર રોડ પર રહેતા આશિષ ચાન્દ્રા પાસેથી છ માસ પૂર્વે રૂા. 7 લાખની રકમ પાંચ ટકા ઉંચા વ્યાજે લીધી હતી અને આ વ્યાજની લીધેલી રકમનું નિયમિત રીતે વ્યાજ ચૂકવતા હોવા છતાં વ્યાજખોર આશિષ દ્વારા રૂા.20 લાખની માંગણી કરાતી હતી પરંતુ પ્રૌઢ પાસે પૈસાની સગવડ થઈ ન હતી. જેથી આશિષે પૂર્વ આયોજિત કાવતરૂ રચી પ્રૌઢના ઘરે જઈ અપશબ્દો બોલી ધમકી આપી બળજબરીથી જીજે-10-બીજી-9915 નંબરની કારમાં બેસાડી દીધા હતાં અને અપહરણ કરી લાવડિયા ગામના સીમ વિસ્તારમાં કોઇ વાડીમાં લઇ જઇ ગોંધી રાખ્યા હતાં અને ત્યાં બેઝબોલના ધોકા, ઈલેકટ્રીક કેબલના વાયર અને ચામડાના પટ્ટા વડે આડેધડ માર મારી 17 જેટલી મુંઢ ઈજાઓ પહોંચાડી હતી અને મારી નાખવાની ધમકી આપી રૂા.20 લાખ આપવાની બળજબરીથી કબુલાત કરાવી હતી અને પ્રૌઢના ફોનથી તેના ભાઈ પરસોતમને ફોન કરાવી મકાનની ફાઈલો બળજબરીથી પડાવી લીધી હતી તેમજ પ્રૌઢને લાવડિયાથી દ્વારકા અને બેટ દ્વારકા સુધી અપહરણ કરી લઇ જઈ મુંઢ માર માર્યો હતો.
દરમ્યાન દ્વારકામાં અપહરણ થયેલાં અરવિંદભાઇ પ્રૌઢે સુરક્ષા કવચમાં ફરજ બજાવતાં મહિલા પોલીસકર્મીને સમગ્ર ઘટનાની જાણ કરતાં દ્વારકા પોલીસે એકશનમાં આવી અને ગણતરીના કલાકોમાં જ આશિષ ચાન્દ્રા, જીજ્ઞેશ ઉર્ફે જીગો ચાન્દ્રા, હાર્દિક ભટ્ટી સહિતના ત્રણ શખ્સોને ઝડપી લઇ જામનગર સીટી-સી પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. જેના આધારે પોલીસે ત્રણેય શખ્સોનો કબ્જો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.