ખંભાળિયા પંથકમાં છેલ્લા ઘણા સમયથી રસ્તે રઝળતા કૂતરાઓનો આતંક બેફામ બન્યો છે. શહેરમાં ગઈકાલે દસ જેટલા નગરજનો એક હડકાયા કૂતરાનો શિકાર બન્યા હતા. આ વચ્ચે સીરમ રસી ન હોવાના કારણે દર્દીઓને જામનગર ખસેડવામાં આવ્યા હોવાનું પણ બહાર આવેલ છે.
ખંભાળિયાના મિલન ચાર રસ્તા વિસ્તાર ભગવતી મીલ કમ્પાઉન્ડ નજીક તેલી નદીના પુલ પાસે ગઈકાલે કૂતરું હડકાયું થયું હતું. આ કુતરાએ આતંક મચાવી દિવસ દરમિયાન દસ વ્યક્તિઓને કરડતાં લોકોમાં ભયનું વાતાવરણ પ્રસરી રહ્યું હતું. આ હડકાયુ બનેલું શ્વાન તેલી નદીના પુલ પાસેથી પસાર થતા એક વ્યક્તિના પગમાં રીતસરનું ચોંટી ગયું હોય, આસપાસના લોકોએ લાકડીઓ મારીને આ કૂતરાને છોડાવ્યું હતું અને ઘવાયેલા વ્યક્તિને તાકીદે અહીંની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તેના પગમાંથી માંસનો લોચો નીકળી ગયો હોય, તેને વધુ સારવાર અર્થે જામનગર ખસેડવામાં આવ્યો છે.
ખંભાળિયામાં મિલન ચાર રસ્તા શોપિંગ સેન્ટર પાસેથી નીકળેલા નગરપાલિકાના વોર્ડ નંબર ચાર સદસ્ય અજુભાઈ ગાગિયાને પણ કૂતરું પગમાં કરડી ગયું કર્યું હતું. ગઈકાલે રાત્રી સુધીના સમયગાળા દરમિયાન આ વિસ્તારમાં કુલ 10 વ્યક્તિઓને કૂતરાએ તોડી લેતા શહેરભરમાં ભારે દેકારો બોલી ગયો હતો.
એટલું જ નહીં, ભયભીત બની ગયેલા દુકાનદારોએ પણ તેઓની દુકાનો વહેલી બંધ કરી, ઘરભેગા થઈ ગયા હતા. આ વિસ્તારમાં દર અડધા કલાકે એક વ્યકિતને આ હડકાયા કૂતરો કરડી જતો હોવાથી ઘવાયેલાઓને તાકીદે અહીંની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ વચ્ચે મહત્વની બાબત તો એ છે કે હડકાયા કૂતરાના શિકાર બનેલા દર્દીઓ માટેની રસી તો હોસ્પિટલમાં છે, પરંતુ કૂતરાએ મોટું અને ગંભીર બટકું ભર્યું હોય તો સિરમ હોવા જોઈએ તે મેડિકલ કોલેજ હોય તે જ સેન્ટરમાં હોવાથી આ મુદ્દે ગતરાત્રે વડોદરાથી સિરમ મંગાવવાની વ્યવસ્થા આરોગ્યતંત્રના સહયોગથી કરવામાં આવી હતી.
આ હડકાયા શ્વાન અંગેની જાણ ખંભાળિયા નગરપાલિકા તંત્રને કરવામાં આવતા પાલિકા સત્તાવાળાઓ દ્વારા એક વાહન મારફતે પાંચ વ્યક્તિઓની ટીમ બનાવી સેનિટેશન ઇન્સ્પેક્ટર તથા સ્ટાફ દ્વારા ગત રાત્રે ઝાળી સાથે રાઉન્ડ લગાવવામાં આવ્યો હતો અને કૂતરાને ઝડપી લેવા માટે લાકડીઓ સાથે આ વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તેમ છતાં આ શ્વાન પકડમાં આવ્યો નહોતો. જે સ્થળે આ કૂતરુ કરડ્યું હોય ત્યાં જોઈને પકડવાની કામગીરી પણ કરવામાં આવી હતી. જે વ્યર્થ ગઈ હતી.
હડકાયુ બનેલું કૂતરું અન્ય કૂતરાને કરડે તો તે પણ હડકાયું થઈ જાય છે. તેથી આ કૂતરું તાકિદે પાંજરે પૂરાય તે માટે તંત્ર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.