ભારતમાં કેટલાંક મહિનાઓથી કાબુમાં આવી ગયેલા કોરોનાએ ફરી માથુ ઉંચકવાનું શરૂ કર્યુ હોય તેમ ધીમી ગતિએ દૈનિક કેસ વધવા લાગતા કેન્દ્ર સરકાર તથા તમામ રાજયો એલર્ટ બન્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ રાજયોના મુખ્યપ્રધાનો સાથે બેઠક કરી છે. તામિલનાડુ, કર્ણાટક, દિલ્હી, ચંદીગઢ સહિતના રાજયો-પ્રદેશોમાં માસ્ક સહિતના કોવિડ પ્રોટોકોલ લાગુ કરી દેવાતા સરકાર ચિંતીત બની છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના રીપોર્ટ પ્રમાણે ભારતમાં દૈનિક કેસમાં આજે 18 ટકાની વૃદ્ધિ થઈ હતી. છેલ્લા ચોવીસ કલાકમાં 2927 નવા કોરોના કેસ નોંધાયા હતા અને 32 લોકોના મોત નિપજયા હતા. એકટીવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો હોય તેમ તે 16279 થઈ છે. છેલ્લા ચોવીસ કલાકમાં 2252 દર્દી સાજા થયા હતા. રિકવરી રેટ 98.75 ટકા છે. પાટનગર દિલ્હીમાં દૈનિક કેસોમાં ચિંતાજનક વૃદ્ધિ છે. આજે 1204 કેસ નોંધાયા હતા અને એક વ્યક્તિનું મોત થયુ હતું. ગઈકાલે 1011 કેસ નોંધાયા હતા. દિલ્હીમાં પોઝીટીવીટી રેટ 6.42 ટકા નોંધાયો છે. બીજી તરફ કોરોનાના વધતા કેસ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જુદા-જુદા રાજયોના મુખ્યપ્રધાનો સાથે ઓનલાઈન બેઠક યોજી હતી. ગૃહપ્રધાન અમીત શાહ, આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયા પણ તેમાં સામેલ થયા હતા. દિલ્હી, ચંદીગઢ, તામિલનાડુ, કર્ણાટકમાં નવેસરથી માસ્ક ફરજીયાત કરવા સાથે કોવિડ પ્રોટોકોલ લાગુ કરાયા જ છે તેની નોંધ લેવામાં આવી હતી. ઉપરાંત જુદા-જુદા રાજયોના ટેસ્ટીંગ-પોઝીટીવીટી રેટ વગેરેની સમીક્ષા કરવામાં આવી હતી. આરોગ્ય સચીવ રાજેશ ભૂષણ દ્વારા કોરોનાની વર્તમાન હાલત વિશે પ્રેઝન્ટેશન રજુ કરાયુ હતું. રસીકરણ પર ફોકસ રાખવાનો સૂર દર્શાવવામાં આવ્યો હતો.