કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મંગળવારે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ અને ટેસ્લાના સીઈઓ એલન મસ્કને ટ્વિટર ડીલ ફાઈનલ થયા બાદ ભારતમાં ટેસ્લાનું ઉત્પાદન કરવા આમંત્રણ આપ્યું હતું. એક કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી ગડકરીએ કહ્યું હતું કે, જો એલોન મસ્ક ભારતમાં ટેસ્લા બનાવવા માંગે છે, તો અમારી પાસે તમામ અને ટેક્નોલોજી છે.
નીતિન ગડકરીએ સાથે એ પણ કહ્યું હતું કે, એલન મસ્ક ચીનમાં ઉત્પાદન કરીને ભારતમાં કાર વેચવા માંગે છે, તો તે ભારત માટે સારું નથી. તેમણે વધુમાં કહ્યું કે હું તેમને વિનંતી કરું છું કે તેઓ ભારત આવે અને અહીં ઉત્પાદન શરૂ કરે. ભારત એક મોટું બજાર છે. અહીં બંદરો ઉપલબ્ધ છે. તેઓ ભારતમાંથી નિકાસ કરી શકે છે.
ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા ભારતમાં બિઝનેસની તકો શોધી રહી છે. કંપની ભારતીય બજારમાં પ્રવેશવા માંગે છે. કંપનીએ ભારત સરકાર પાસે ટેક્સ મુક્તિની પણ માંગ કરી છે. જો કે કેન્દ્ર સરકારે આ માંગને ફગાવી દીધી છે. મસ્કની કંપની ભારતમાં તેના વાહનોની આયાત કરવા માંગે છે અને તેથી તેને ટેક્સમાં છૂટની જરૂર છે. બીજી તરફ સરકારે કંપનીને ભારતમાં જ તેનું ઉત્પાદન કરવા જણાવ્યું છે.