દેશના અનેક શહેરમાં ગરમી અને ગરમ પવનને કારણે લોકોની હાલત ખરાબ થઇ ગઇ છે. ગરમીથી રાહત મેળવવા લોકો વિવિધ ઉપાયો કરી રહ્યા છે. આ દરમિયાન, હવામાન વિભાગે આગામી કેટલાક દિવસો સુધી દેશના દઘણા ભાગોમાં હીટ વેવની સ્થિતિની ચેતવણી આપી છે. આને ધ્યાનમાં રાખીને ઓડિશા સરકારે તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં પાંચ દિવસની રજા જાહેર કરી છે. ઓડિશા સરકાર દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર, રાજયમાં ગરમીની સ્થિતિને જોતા, ઓડિશામાં તમામ સરકારી અને ખાનગી શાળાઓ 26 એપ્રિલથી 30 એપ્રિલ સુધી પ દિવસ માટે બંધ રહેશે.’ ઉલ્લેખનિય છે કે એક અધિકારીએ જણાવ્યું કે આગામી થોડા દિવસોમાં ગરમીનું મોજું આવવાની શક્યતા છે.
તેમણે કહ્યું કે આગામી થોડા દિવસોમાં દિલ્હીના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 46 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની સંભાવના છે. સોમવારે હરિયાણા અને પંજાબના ઘણા ભાગોમાં હીટ વેવની સ્થિતિ પ્રવર્તી રહી હતી અને આ પ્રદેશમાં દિવસનું તાપમાન સામાન્ય કરતા વધારે રહ્યું હતું.
હવામાન વિભાગે આ માહિતી આપી છે. ગુરુગ્રામમાં મહત્તમ તાપમાન 42.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જયારે બંને રાજયોની રાજધાની ચંદીગઢમાં મહત્તમ તાપમાન 39.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હરિયાણાના ભિવાનીમાં મહત્તમ તાપમાન 41.4 ડિગ્રી સેલ્સિયસ, હિસારમાં 41.2 ડિગ્રી સેલ્સિયસ, સિરસા અને રોહતકમાં 40.9 ડિગ્રી સેલ્સિયસ અને અંબાલામાં 40.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. બીજી તરફ પંજાબના પટિયાલામાં 41 ડિગ્રી સેલ્સિયસ, ભટિંડામાં 40 ડિગ્રી સેલ્સિયસ, હોશિયારપુરમાં 40.5 ડિગ્રી સેલ્સિયસ, અમૃતસરમાં 38.7 ડિગ્રી સેલ્સિયસ અને લુધિયાણામાં 39.3 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું.