જામનગર મહાપાલિકાની વ્યાજદર રાહત યોજના 30 એપ્રિલના રોજ પૂર્ણ થઇ રહી હોય. આ યોજનાનો લાભ લેવા માટે જામ્યુકો દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે. જામનગરના મિલકતધારકો કે જેમની મિલકતનો પ્રોપર્ટી 2006થી બાકી રોકાતા હોય. તેની ચડત રકમ પરનું વ્યાજ માફ કરવા માટે જામ્યુકો દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. જે 30 એપ્રિલ સુધી અમલમાં રહેશે. દરમિયાન ગઇકાલ સુધી કુલ 46,295 લાભાર્થીઓએ આ યોજનાનો લાભ લઇ 2.10 કરોડનું વ્યાજ વળતર મેળવ્યું છે. જ્યારે જામ્યુકોને આ યોજના દરમિયાન મિલકતવેરા પેટે કુલ રૂા. 33.18 કરોડની આવક થવા પામી છે. અગાઉ બે વખત જામ્યુકો આ યોજનાની મુદ્ત લંબાવી ચૂકયું છે. પરંતુ હવે આ યોજના 30 એપ્રિલે પૂર્ણ થતી હોય, કરદાતાઓને વ્હેલામાં વહેલી તકે મિલકતવેરાની બાકી રકમ ભરપાઇ કરી તેના પર વ્યાજ છૂટ મેળવવા માટે જામ્યુકોના તંત્ર દ્વારા કરદાતાઓને અનુરોધ કરવામાં આવ્યો છે.