જામનગર પીજીવીસીએલના વિવિધ સબ ડીવીઝન દ્વારા જામનગર શહેરના વિવિધ વિસ્તારોમાં વીજચોરી અંગે દરોડા પાડવામાં આવ્યા હતાં. આજરોજ પીજીવીસીએલ દ્વારા સતત બીજા દિવસે વિજચોરી અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ગઇકાલે કુલ 535 મીટરોમાં તપાસ હાથ ધરાઇ હતી અને 87 વીજમીટરોમાં ગેરરીતિ જણાતા 75 લાખના વીજ પૂરવણી બીલ ફટકારવામાં આવ્યા હતાં.
પીજીવીસીએલ દ્વારા આજે સતત બીજા દિવસે વિજચોરીનું ચેકિંગ હાથ ધરવામાં આવતાં વિજચોરોમાં ફફડાટ ફેલાયો હતો. આજે પટેલ કોલોની સબ ડિવિઝન, સાતરસ્તા સબ ડિવિઝન, દરબારગઢ એસડીએમ સીટી-1, સમાણા એસડીએમ, જામજોધપુર સર્કલ હેઠળ આવતાં વિવિધ વિસ્તારો જેવા કે, જામનગર શહેરના રામેશ્ર્વરનગર, વિનાયક પાર્ક, યાદવનગર, વુલનમિલ અને લાલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વિજચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કુલ 40 ટીમ જોડાઇ હતી. એસઆરપીના 18 જવાનો, 4 લોકલ પોલીસ સહિતના અધિકારીઓ-કર્મચારીઓની ટીમ દ્વારા વિજચેકિંગ હાથ ધરાયું હતું.
આ ઉપરાંત ગઇકાલે પણ વિજચેકિંગ કરાયું હતું. જેમાં ખંભાળિયા ગેઈટ સબ ડીવીઝન, નગરસીમ અને જામનગર રૂરલ એસડીએમ અંડર સીટી 2 ડીવીઝન જામનગર સર્કલ હેઠળ આવતા પાણાખાણ, ગોકુલનગર, સાધના કોલોની, દરેડ સહિતના વિસ્તારોમાં વીજચોરી અંગે સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં 37 ટીમો દ્વારા 535 વીજ જોડાણોમાં ચેકીંગ હાથ ધરાયું હતું. તેમાંથી 87 વીજમીટરોમાં ગેરરીતિ જોવા મળતા કુલ 29.75 લાખની વીજચોરી ઝડપાઈ હતી. તેમને વીજચોરીના બીલો ફટકારવામાં આવ્યા હતાં.