Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરકાળઝાળ ગરમીથી ગુજરાત, મહારાષ્ટ્ર બેહાલ, મુંબઇ બિમાર

કાળઝાળ ગરમીથી ગુજરાત, મહારાષ્ટ્ર બેહાલ, મુંબઇ બિમાર

બે દિ’ની રાહત બાદ ગુજરાતમાં ફરી હિટવેવની સ્થિતિ : પડોશી રાજયો મહારાષ્ટ્રમાં પણ ગરમીએ મચાવ્યો કહેર, કેટલાક વિસ્તારોમાં કડાકા-ભડાકા સાથે વરસાદી તોફાન

- Advertisement -

બે દિવસના હવામાન પલ્ટા બાદ ગુજરાતમાં કાળઝાળ ગરમીનો દોર ફરીથી શરૂ થયો છે. તેવી જ રીતે ગુજરાતના પડોશી રાજયો મહારાષ્ટ્રમાં પણ ગરમી કહેર મચાવી રહી છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 15 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર કરી ગયો છે. જયારે આગામી 3 દિવસ હિટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. મહારાષ્ટ્રમાં પણ અસહ્ય ગરમી, લુ અને બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આર્થિક કેપિટલ મુંબઇમાં ગરમીને કારણે મોટી સંખ્યામાં લોકો બિમાર પડયા છે. જેને કારણે સ્થાનિક તંત્ર, રાજય સરકારનું આરોગ્ય તંત્ર ચિંતામાં મૂકાયા છે. બીજી તરફ મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કડાકા-ભડાકા સાથે વરસાદી તોફાન સર્જાયાના અહેવાલો પણ પ્રાપ્ત થયા છે.  ગુજરાતના વિવિધ વિસ્તારમાં વરસાદની આગાહીના પગલે વાતાવરણમાં પલટો આવ્યો હતો, જેના કારણે મોટાભાગના વિસ્તારમાં તાપમાન ઘટી ગયું હતુ. સતત બે દિવસ સુધી રાજ્યમાં ગરમીનું જોર ઘટતાં નાગરિકોએ રાહત અનુભવી હતી. પરંતુ ફરી તાપમાન ઉચકાતાં કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે. હજુ આગામી બે દિવસ દરમિયાન સુરેન્દ્રનગર અને કચ્છમાં હવામાન ખાતા દ્વારા હિટવેવની આગાહી કરાઈ છે. શુક્રવારે ગાંધીનગર સહિત રાજ્યના 5 શહેરમા તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર જ્યારે અન્ય 4 શહેરમાં તાપમાન 41 ડિગ્રીને પાર નોંધાયુ હતુ. જેમા અમદાવાદ શહેર અને સુરેન્દ્રનગરમાં 41.9 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. હવામાન ખાતાએ પ્રસિદ્ધ કરેલી વિગતો પ્રમાણે, શુક્રવારે ગાંધીનગર અને કેશોદમાં 42 ડિગ્રી, કંડલા એરપોર્ટ અને અમરેલીમાં 42.2 ડિગ્રી તેમજ રાજકોટમાં 42.1 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. બીજી તરફ અસહ્ય  ગરમી અને બફારાને કારણે અસંખ્ય મુંબઇગરાં બીમાર પડી ગયાં હોવાના અહેવાલ મળે છે. તબીબોનાં દવાખાનાંમાં ચક્કર આવવાં, માથું દુ:ખવું, ઉલટી થવી, આંખોમાં બળતરા થવી, શરીરમાંથી પાણી  ઘટી જવું, તાવ આવવો વગેરેના  કેસમાં વધારો થયો હોવાના સમાચાર પણ મળે છે.  નિષ્ણાંત ડોક્ટરોએ સલાહ આપતાં જણાવ્યું હતું કે આવી અસહ્ય ગરમી  અને લૂ વાય તેવા માહોલમાં થોડા થોડા સમયે પાણી  પીવું, છાશ-લસ્સી સહિત  એકાદ શક્તિદાયક પીણું પીવું, માથા પર ટોપી પહેરવી, શક્ય હોય તો ગોગલ્સ પહેરવાં અને હળવાં વસ્ત્રો પહેરવાં વગેરે જેવી સાવચેતી  રાખવી જરૂરી છે. બીજીબાજુ  આજે  દક્ષિણ  કોંકણના રત્નાગિરિ જિલ્લાના દેવરેખ અને તેની  આજુબાજુના પરિસરમાં, પુણે નજીકના ભોર, સાતારા અને મહાબળેશ્ર્વરમાં  મેઘગર્જના, વીજળીના કડાકા, તીવ્ર  પવન સાથે કમોસમી વર્ષાનું  અને કરાનું તોફાન સર્જાયું હોવાના સમાચાર મળે છે. હાલ મધ્ય પ્રદેશથી વિદર્ભ થઇને તેલંગણા સુધીના ગગનમાં 1.5 કિલોમીટરના અંતરે સાયક્લોનિક સર્ક્યુલેશન સાથે હવાના હળવા દબાણનો પટ્ટો સર્જાયો છે. પવનો ઉત્તર-ઇશાન-ઉત્તરના અને વાતાવરણના નીચેના પટ્ટામાં ફૂંકાતા હોવાથી ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. સાથોસાથ આકાશ પણ સ્વચ્છ રહેતું હોવાથી સૂર્યનાં તેજસ્વી કિરણોની અસર પણ વેધક રહે. ઉપરાંત, સમુદ્ર પરથી આવતી લહેરખી બપોરના 12 બાદ  જમીન પર આવતી હોવાથી વાતાવરણમાં ગરમી ફેલાઇ જાય છે. આવાં કુદરતી પરિબળોને કારણે મુંબઇમાં હોટ હોટ માહોલ સર્જાયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular