જામનગર શહેરના ભાનુશાળી વાડ ટીંબા ફળીમાં રહેતાં યુવાન અને તેની બહેન ઉપર બનેવી સહિતના પાંચ શખ્સોએ લોખંડના પાઇપ વડે હુમલો કરી ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં આર્ય સમાજ સ્કૂલ રોડ પર મીણાદાતારની દરગાહ પાસે રહેતાં અસ્ફાખ અયુબ શેખ નામના યુવાનની બહેન અમરીન અને તેના બનેવી સલીમ વચ્ચે અવાર-નવાર બોલાચાલી અને અણબનાવ થતા હતાં તેથી અમરીનબેન અસ્ફાકના ઘરે રીસામણે સંતાનો સાથે આવી ગયા હતાં. દરમિયાન બાળકોની પરીક્ષા હોય જેથી અસ્ફાકે તેના બનેવીને બાળકોને તેડી જવાનું કહેતા આ બાબતનો ખાર રાખી બનેવી સલીમ યુસુફ બ્લોચ, નઈમ યુસુફ બ્લોચ, અલીમામદ યુસુફ બ્લોચ, યુસુફ બ્લોચ અને જીન્નતબેન બ્લોચ નામના પાંચ શખ્સોએ એકસપંચ કરી અસ્ફાક ઉપર લોખંડના પાઈપ વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી તથા અસ્ફાક અને તેની બહેન અમરીનને ઢીકાપાટુનો માર માર્યો હતો. ઉપરાંત અપશબ્દો બોલી મારી નાખવાની ધમકી આપી હતી.
હુમલામાં ઘવાયેલા ભાઈ-બહેનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણ થતા હેકો વી. જે. જાદવ તથા સ્ટાફે અસ્ફાક શેખના નિવેદનના આધારે તેના બનેવે સલીમ બ્લોચ સહિતના પાંચ શખ્સો વિરૂધ્ધ હુમલાની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.