જામનગરમાં વાલસુરા રોડ પર આવેલ હાલાર સોલ્ટ એન્ડ કેમિકલ્સ વર્કસમાં કામ કરતાં કામદારો શામજી ધનજી અરજણ કરસન તથા મોહન કરસનને મજૂર અદાલત દ્વારા 10 ટકા બેંકવેજીસ ચૂકવવા હુકમ કર્યો છે. આ હુકમ બાદ સંસ્થાએ છૂટા કરતી વખતે જે પગાર મળતો તેના 10 ટકાનો હિસાબ કરી રકમો ચૂકવી આપી હતી. આથી આ કામદારો વતી ભારતીય મઝદૂર સંઘ દ્વારા 10 ટકા બેંકવેજીસમાં વખતો વખતના સરકાર દ્વારા કરેલ પગાર વધારાની ગણતરી કરી તે પ્રમાણે આવી વધારાની રકમ વસુલવા મજૂર અદાલત સમક્ષ રિક્વરી અરજી દાખલ કરી હતી.
મજૂર અદાલતે બંનેપક્ષે થયેલ દલીલો, પડેલ પુરાવાઓ, કાયદાકીય જોગવાઇઓ તથા હાઇકોર્ટ તથા સુપ્રિમકોર્ટના ચુકાદાઓ વિગેરે ધ્યાને લઇ કામદારો તરફેની રજૂઆતો માન્ય રાખી શામજી ધનજી અને અરજણ કરસનને રૂા. 41.253 તથા મોહન કરસનને રૂા. 44.245 દિવસ 30માં ચૂકવી આપવાનો હુકમ કરેલ છે. આ કામમાં કામદારો તરફે ભારતીય મઝદૂર સંઘના અરવિંદભાઇ વ્યાસ તથા પંકજભાઇ રાયચુરા રોકાયેલ હતાં.