અમેરિકાને મંદીમાં ધકેલ્યા વગર ફુગાવાને ઠંડો પાડવા નાણાં નીતિને પૂરતી માત્રામાં સખત કરવાની કવાયત ફેડરલ રિઝર્વ માટે મુશકેલભરી બની રહેશે તેમ અત્યાર સુધીનો ઈતિહાસ સૂચવે છે એમ જણાવી ગોલ્ડમેન સાચસે આગામી બે વર્ષમાં અમેરિકામાં મંદીની 35 ટકા શકયતા હોવાનું જણાવાયું છે. ફેડરલ રિઝર્વનો મુખ્ય પડકાર રોજગાર તથા કર્મચારીઓ વચ્ચેનું અંતર ઘટાડવાનો તથા વેતન વૃદ્ધિ પોતાના બે ટકાના ફુગાવાના ટાર્ગેટ સાથે સુસંગત રહે તે રીતે મંદ પાડવાને લગતો છે. આની સાથોસાથ બેરોજગારીમાં જોરદાર વધારો કર્યા વગર જોબ ઓપનિગ્સમાં ઘટાડો થાય તે રીતે નાણાં સ્થિતિને તંગ બનાવવાની પણ તેણે કવાયત કરવાની રહે છે, એમ ગોલ્ડમેનની એક રિસર્ચ નોટમાં જણાવાયું છે. નીચા વ્યાજ દરના ધિરાણ ચાલુ રાખવાનું મુશકેલ બની શકે છે, કારણ કે અમેરિકામાં અત્યારસુધીના ઈતિહાસમાં રોજગાર તથા કર્મચારીઓ વચ્ચેનું અંતર મંદીના કાળમાં જ ઘટયું છે. કોરોના બાદ રોજગાર પૂરવઠા અને ડયૂરેબલ માલસામાનની કિંમતોમાં ફરી સામાન્ય સ્થિતિ ફેડરલને ટેકારૂપ થશે માટે મંદી અનિવાર્ય નથી. નીચા વ્યાજ દર સાથેના ધિરાણમાં જેઓ આગળ વધ્યા હતા તે દસ વિકસિત દેશોના જુથમાંના અનેક દેશો આના ઉદાહરણો છે. બીજા વિશ્ર્વ યુદ્ધ બાદ અમેરિકામાં તંગ નાણાં નીતિની 14 સાઈકલ્સમાંથી અગિયાર સાઈકલ્સમાં બે વર્ષની અંદર મંદી જોવા મળી હતી. પરંતુ આમાંની આઠને ફેડરલની તંગ નીતિ સાથે આંશિક જ સંબંધ હતો. ગોલ્ડમેનના એનાલિસ્ટે આગામી 12 મહિનામાં મંદીની શકયતા 15 ટકા જ વ્યકત કરી છે. બ્લુમ્બર્ગ દ્વારા એપ્રિલના પ્રથમ સપ્તાહમાં હાથ ધરાયેલા સર્વેમાં 27.50 ટકા અર્થશાષીઓએ મંદીની શકયતા વ્યકત કરી હતી જે એક મહિના અગાઉ વીસ ટકા લોકોએ વ્યકત કરી હતી. વર્ષના અંતિમ ત્રણ મહિનામાં ફુગાવો વધીને સરેરાશ 5.70 ટકા રહેવા તેમણે અપેક્ષા વ્યકત કરી છે, જે અગાઉ 4.50 ટકા વ્યકત કરાતી હતી.
ભયંકર મંદીના દરવાજે પહોંચી ગયું અમેરિકા
આગામી બે વર્ષમાં ભયંકર મંદીના એંધાણ : ફુગાવો અને બેરોજગારી ફેડરલ રિઝર્વ સામે મોટો પડકાર


