જામનગર નજીક આવેલા ગોરધનપર ખાતે વૈશ્વિક પારંપરિક દવા કેન્દ્રનું ખાતમુહૂર્ત આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવનાર છે ત્યારે આ કાર્યક્રમમાં દેશ-વિદેશના મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે જેની સુરક્ષા માટે જામનગર ફરતે કિલ્લાબંધી જેવી સુરક્ષા વ્યવસ્થા કરી દેવામાં આવી છે.
આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર નજીક આવેલા ગોરધનપર ખાતે વૈશ્વિક પારંપરિક દવા કેન્દ્રનું ખાતમુહૂર્ત કરવાના છે અને આ સેન્ટર સંયુકત રાષ્ટ્રનું પ્રથમ આઉટપોસ્ટ સેન્ટર બનશે. આ કાર્યક્રમમાં મોરેશિયસના વડાપ્રધાન પ્રવિન્દ કુમાર જુગનાથ અને ઠઇંઘ ના ચેરમેન અને અન્ય દેશોના ડેલીગેટ્સો તથા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આયુષ મંત્રી અને આયુષના અધિકારીઓ સહિતના મહાનુભાવો જામનગરના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના હોવાથી આંતરરાષ્ટ્રીય કક્ષાના આ કાર્યક્રમની સુરક્ષા વ્યવસ્થા માટે દેશની સુરક્ષા વ્યવસ્થાની એજન્સીઓએ જામનગરમાં ધામા નાખ્યા છે અને આ કાર્યક્રમ અંતર્ગત વીવીઆઈપી સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ સુરક્ષા વ્યવસ્થા માટે 7 આઈપીએસ, 22 ડીવાયએસપી, 60 પીઆઈ અને 150 પીએસઆઈ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.