- Advertisement -
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધુ એક વખત તરવરિયા હોડી ધારકો માટે સમુદ્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓખા ખાતે યોજવામાં આવેલી 41મા સમુદ્ર મહાજન હોડી સ્પર્ધામાં મોટી સંખ્યામાં શઢવાળી હોડી ધારકોએ સ્પર્ધકોમાં ભાગ લીધો હતો. જેમાં વિજેતાઓને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.
ગુજરાત સરકારના કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ- ગાંધીનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગુરુવારે ઓખાની દામજી જેટી ખાતે યોજવામાં આવેલી 41મી હોડી સ્પર્ધામાં કુલ 22 હોડી અને સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
બેટ- દ્વારકાના સરાઉંડિંગ 36 કી.મી. જેટલા વિસ્તારમાં યોજાયેલી આ હોડી સ્પર્ધા માટે પ્રથમ ત્રણ ક્રમમાં 3.18 કલાક સાથે 5 નંબરની બંદરી લતીફ આમદની અલ સંજરી હોડી, 3.20 કલાક સાથે 4 નંબરની અલ હુશેની નામની થૈમ સલીમ હસનભાઈની હોડી અને 3.22 કલાક સાથે 2 નંબરની બંદરી અયુબ અબુભાઈની હોડીને વિજેતા જાહેર કરવામાં આવી હતી.
આ સ્પર્ધકોને હરીઓમ આશ્રમ- નડિયાદ અને કમિશનર યુવક સેવા વિભાગ દ્વારા પ્રોત્સાહિત ઇનામો આપ્યા હતા. એટલું જ નહીં, ઓખાના સ્થાનિક વેપારીઓ, આગેવાનો તેમજ રાજકીય અગ્રણી સહિત જુદા જુદા 8 વ્યક્તિઓ દ્વારા પ્રથમ, દ્વિતિય અને તૃતિય નંબરે વિજેતાઓને રોકડ રકમ આપી, પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત જિલ્લા રમત અધિકારી કચેરી દ્વારા પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતા થયેલાઓને અનુક્રમે રૂપિયા 12,000, રૂપિયા 8,000 તથા રૂપિયા 5,000 ઉપરાંત નડિયાદના હરિઓમ આશ્રમ દ્વારા પણ આ પ્રમાણે રોકડ રકમ આપવામાં આવી હતી. આમ, પ્રથમ, દ્વિતીય અને તૃતીય અનુક્રમે કુલ રૂપિયા 44,600 તથા 27,800 અને 15,700 નો રોકડ પુરસ્કાર મળ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલ એન્જિનો સાથેની હોડીનો મહત્તમ ઉપયોગ થાય છે. ત્યારે શઢવાળી હોડીની આ સ્પર્ધાએ સારું એવું આકર્ષણ જગાવ્યું હતું. જેને નિહાળવા મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા.
- Advertisement -